Site icon Revoi.in

ધોરણ 9થી 12માં પ્રવેશ સમસ્યા ન સર્જાય તે માટે દરેક જિલ્લામાં પ્રવેશ સેલની રચના કરાશે

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. આ વખતે પ્રવેશની સમસ્યા ઊબી ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા પ્રવેશ સેલની રચના કરાશે. અને ધોરણ 9થી 12માં કોઈપણ વિદ્યાર્થી શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે ખાસ ધ્યાન રખાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો આવી ગયા છે. આ વર્ષે સારું પરિણામ આવતા પ્રવેશ પ્રક્રિયામાં સમસ્યા સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં સમસ્યા ન થાય અને પ્રવેશથી વંચિત ન રહેવું પડે તે માટે પ્રવેશ સેલની રચના કરવાના આદેશ કરવામાં આવ્યો છે. તેમજ પ્રવેશ માટેના નોડલ અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ હેઠળ આવતી તમામ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવા પ્રવેશ સેલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોડલ ઓફિસર નિમણૂક કરવા જણાવાયું છે. ધોરણ 1 થી 8 ના આરટીઇના બાળકોને પ્રવેશ ઉપરાંત કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તે અંગે માર્ગદર્શન આપવા પણ સુચના આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં  આવેલા 130 જેટલા મદ્રેસાઓનનો સર્વે પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની યાદી મુજબ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સરકારની યાદીમાં નથી તેવા મદ્રેસાઓની તપાસ માટે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.  મદ્રેસામાં ભણતા વિદ્યાર્થીઓની વિગતો એકત્રિત કરીને સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે. જેથી સ્કૂલે ન જતા વિદ્યાર્થીઓની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.