Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂબેશ, 20 દિવસમાં 5.18 કરોડની આવક

Social Share

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી વેરાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિની ટેક્સ વસુલાત ઝૂંબેશ સાથે રોડ પરના દબાણ હટાવ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનને નાણાકીય વર્ષના અંતિમ માસમાં સીલીંગ ઝૂંબેશ ફળી હોય તેમ છેલ્લા 20 દિવસમાં બાકી વેરાની કડક ઉઘરાણીને કારણે મ્યુનિની  તિજોરીમાં 5.18 કરોડ ઠલવાયા હતા. એક દિવસમાં 40 મિલ્કતોની જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી, સોમવારે મ્યુનિ.ને એક જ દિવસમાં 1 કરોડની આવક થઈ હતી.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના ઘરવેરા વિભાગ દ્વારા  સોમવારના રોજ માસ જપ્તી ડ્રાઈવ અંતર્ગત 40 મિલકતોને સીલ મારી દેવામાં આવી હતી. તેમજ 223 આસામીઓએ પોતાનો બાકી વેરો પેટે રૂ.1.06 કરોડની રકમ ભરપાઈ કરી હતી. જેના કારણે માર્ચ મહિનાના 20 દિવસમાં મ્યુનિની  તિજોરીમાં 5.18 કરોડની રકમ જમા થઈ હતી. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આગામી દિવસોમાં બાકી વેરાની વસુલાત માટે માસ જપ્તી ઝુંબેશ શરૂ રાખવામાં આવશે અને ટેક્સ ન ભરપાઈ કરનારા આસામીઓની મિલકતને સીલ મારી દેવાની અને પાણી કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તાત્કાલિક ધોરણે બાકી  મિલ્કત વેરો ભરપાઈ કરવા  નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશની જેમ દબાણ હટાવ ઝૂબેશ પણ શરૂ કરવામાં આવી છે. આમ તો શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે. જેના પગલે સોમવારે શહેરના ભરતનગર અને શિવાજી સર્કલ વિસ્તારોમાં જાહેર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ભાવનગરના મ્યુનિ. કમિશ્નર એન.વી. ઉપાધ્યાયની સીધી દેખરેખ હેઠળ મ્યુનિ.નો કાફલો ક્રેઇન અને બુલડોઝર સહિતના  સાધનો સાથે શહેરના ભરતનગર વિસ્તારમાં ત્રાટક્યો હતો. જ્યા ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદેસર ખડકાયેલી  કેબીનોને ક્રેઈનની મદદથી જપ્ત કરવામાં આવી હતી, અને બુલડોઝરની મદદથી પાકા દબાણો તોડી પાડ્યા હતા, ત્યારબાદ શહેરના શિવાજી સર્કલ પાસે પણ રોડને અડચણરૂપ હોય તેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેર રોડની આસપાસ ખડકી દેવામાં આવેલી કેબીનો ક્રેઇનની મદદથી જપ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.