Site icon Revoi.in

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની ધરપકડ,જાણો શું છે મામલો

Social Share

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ED અધિકારીએ શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે 74 વર્ષીય ગોયલને શનિવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED તેમની કસ્ટડી માંગશે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેનેરા બેંક સાથે રૂ. 538 કરોડની કથિત બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મોડી રાત્રે ગોયલની ધરપકડ કરી હતી. દિવસની શરૂઆતમાં મુંબઈમાં સેન્ટ્રલ એજન્સીની ઓફિસમાં લાંબી પૂછપરછ કર્યા પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેની અટકાયત કરવામાં આવી હતી.

જેટ એરવેઝ, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા ગોયલ અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આ મની લોન્ડરિંગ કેસ કેનેરા બેંક સાથે રૂ. 538 કરોડની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેનેરા બેંકની ફરિયાદ પર ગોયલ દંપતી અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી હતી.સીબીઆઈની એફઆઈઆરના આધારે ઈડીએ કેસની તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ ગોયલ, તેમની પત્ની અનિતા અને કંપનીના કેટલાક પૂર્વ અધિકારીઓને બેંક ફ્રોડ કેસમાં આરોપી તરીકે નામ આપ્યા છે.

બેંકે CBIને ફરિયાદ કરી હતી કે તેણે જેટ એરવેઝ લિમિટેડ (JAL)ને રૂ. 848.86 કરોડની લોન આપી હતી, જેમાંથી રૂ. 538.62 કરોડ હજુ પણ બાકી છે. આ એકાઉન્ટને 29 જુલાઈ 2021ના રોજ છેતરપિંડી જાહેર કરવામાં આવ્યું હતું.