Site icon Revoi.in

ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિઓ સામે 33 જેટલી સજાના નિયમો જાહેર કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી 11 માર્ચથી થશે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે  શિક્ષા કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 33 અલગ-અલગ ગુના માટે 33 અલગ-અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે. જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શિક્ષા કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં   કેન્દ્ર સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું પરીક્ષાર્થીઓ  પાલન ન કરે તો ઉત્તરવહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઈન દોરી સૂચનાનો અમલ નથી કર્યો, તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તરવહી લખવા આપવી. તેમજ તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સાંકેતિક દ્વારા સંદેશો પાઠવતો હોય તો પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું, તથા મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ અથવા ચલણી નોટો મૂકી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવશે નહીં,

આ ઉપરાંત પરીક્ષાથી અથવા તેમના પ્રતિનિધિ વાલી ઉત્તરવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરાશે. પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય, નોંધ, લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે.તેમજ પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી ઉત્તરવહી બહાર ફેંકી દીધી હોય, પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તરવહી ફાડી નાખે અથવા લખાણ સાથે ચેડાં કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ​​​​​​​ કરાશે પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચીઠ્ઠી, ચબરકી કે કોઈપણ સાહિત્ય પકડીને કોપી કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે બંનેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરાશે

તેમજ પરીક્ષાર્થી મુખ્ય ઉત્તરવહીમાં અપશબ્દોભર્યું લખાણ લખે તો જે તે વિષયનું પરિણામ રદ કરાશે. વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સો ધ્યાનમાં આવે તો પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેતિક રીતે ગેરરીતિનો સૂચક સંદેશ આપતો હોય તો પરિણામ રદ કરાશે,