Site icon Revoi.in

ચાંદી, કોપર, અને બ્રાસના ભાવ વધતાં સુરતનો જરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

Social Share

સુરતઃ ચાંદી, કોપર અને બ્રાસના ભાવમાં થયેલા વધારાને કારણે સુરત શહેરનો જરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શહેરમાં જરીના 500 જેટલાં કારખાના આવેલા છે. અને જરીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. જેના લીધે માગમાં ઘટાડો થતાં જરી ઉદ્યોગમાં મંદીની મોકાણ શરૂ થઈ છે.

સુરત મેન્યુફેકચર એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી, કોપર અને બ્રાસના ભાવ વધતાં જરીના ભાવમાં 30થી લઈને 125 રૂપિયા સુધીનો વધારો કરવાની ફરજ પડી છે. હોળી બાદ ચાંદીના કિલોના ભાવમાં 12 હજારનો વધારો, કોપર અને બ્રાસમાં કિલો દીઠ ભાવ 100 રૂપિયાનો વધારો થયો છે. તેથી સુરતના જરી ઉદ્યોગ પર મંદીની અસર છે. ત્યારે એસોસિએએશને જરી ઉત્પાદકો સાથે મીટિંગ યોજી હતી. સુરતમાં અંદાજે જરીના 500 કારખાના છે. મીટિંગમાં મોટી સંખ્યામાં ઉત્પાદકો જોડાયા હતા.

આ મીટિંગમાં સર્વાનુમતે જરીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જરીના વેપારમાં જરીનો ભાવ મુઠ્ઠા દીઠ નક્કી કરવામાં આવે છે, જેમાં એક મુઠ્ઠામાં 230 ગ્રામ જરી હોય છે. 16 ગ્રામ ચાંદીની ક્વોલિટીમાં મુઠ્ઠા દીઠ 80 રૂપિયાનો વધારો, 6 ગ્રામ ચાંદીની ક્વોલિટીમાં મુઠ્ઠા દીઠ 30 રૂપિયાનો વધારો, 8 ગ્રામ ચાંદીની ક્વોલિટીમાં મુઠ્ઠા દીઠ 40 રૂપિયાનો વધારો, 10 ગ્રામ ચાંદીની ક્વોલિટીમાં મુઠ્ઠા દીઠ 50 રૂપિયાનો વધારો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સાદી સલમા જરીના એક કિલોએ 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોટન જરીના કિલો દીઠ ભાવમાં 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સુરત જરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સૂત્રોએ ઉમેર્યું હતું. કે, ચાંદીના ભાવમાં સખત વધારો થયો છે. કોપર અને બ્રાસના ભાવ પણ વધ્યા, જેને લઈને ભાવ વધારવાની ફરજ પડી છે. હાલ મંદીને ઉત્પાદન કાપમાં 70 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.