Site icon Revoi.in

રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર શેડ ન હોવાથી પ્રવાસીઓને તડકામાં શેકાવવું પડે છે

Social Share

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર-4 પર શેડ કે છાપરૂ જ નથી. આથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓને ખુલ્લા પ્લેટફોર્મમાં ઊભા રહીને તડકામાં શેકાવું પડે છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4માં શેડની સુવિધા તો નથી પણ. પંખા, લાઇટ, પાણી, શૌચાલયની પણ પૂરતી સુવિધા નથી. પૂરતી પ્રાથમિક સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓ હાલાકી ભોગવવી પડી રહ્યા છે. હાલ ધોમધખતા તાપમાં પ્રવાસીઓ બપોરે તડકાથી બચવા બ્રિજ નીચે ઊભવા મજબૂર બન્યા છે. જોકે, આ પ્લેટફોર્મ પર સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રેલવેના અધિકારીઓ કહી રહ્યા છે.

રાજકોટ શહેરનું રેલવે સ્ટેશન 24 કલાક પ્રવાસીઓથી ધમધમતુ રહેતુ હોય છે. દિવસ દરમિયાન અનેક ટ્રેનો અપ-ડાઉન કરતી હોય છે. છતાં પણ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને પુરતી સુવિધાઓ મળતી નથી. છેલ્લા છ માસથી પ્લેટ ફોર્મ નંબરોમાં ફેરફાર કરી પ્લેટ ફોર્મ નં. 6ને 4 નંબર અપાયો છે. જોકે, આ 4 નંબરના પ્લેટફોર્મમાં શેડ નથી. તો પંખા, લાઇટ, પાણી, શૌચાલય જેવી સુવિધા એક જ સાઈડમાં રહેલી છે. જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રાજકોટ રેલવે ડિવિઝનના સૂત્રોના કહેવા મુજબ  પશ્ચિમ રેલવેનાં નોર્મ્સ મુજબની સુવિધા પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઉપલબ્ધ છે. જેમાં 260 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા, લાઈટ, ટોયલેટ, પીવાનાં પાણીની ફેસિલિટી, કોચ ઇન્ડિકેટર અને એનાઉન્સમેન્ટ ફેસિલિટી આ પ્લેટફોર્મ ઉપર છે. તેમજ બાકીની વ્યવસ્થાઓ અને શેડ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ગત 5 એપ્રિલનાં રોજ કરવામાં આવી ચૂકી છે. ત્યારે ટૂંક સમયમાં આખા પ્લેટફોર્મ પર પૂરતી સુવિદ્યા શરૂ થશે. હાલ આ પ્લેટફોર્મ પર માત્ર અમુક ટ્રેનો જ ચાલે છે. જોકે, કોઈપણ રેલવે સ્ટેશનમાં એક પ્લેટફોર્મ પર હોય તેવી બધી સુવિધા બધા પ્લેટફોર્મ પર હોય તે જરૂરી નથી. જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર કટિબદ્ધ છે.

 

Exit mobile version