Site icon Revoi.in

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં વર્ષો સુધી આવનારી પેઢીમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરશેઃ અશ્વિનિકુમાર ચૌબે

Social Share

કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજયમંત્રી અશ્વિનિકુમાર ચૌબેએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી.તેઓની સાથે ગુજરાતનાં વન-પર્યાવરણ રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ) પણ જોડાયા હતા.

કેન્દ્રીય રાજયમંત્રી અશ્વિનિકુમાર ચૌબેએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદપૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ પ્રતિમાના હદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતુ કે, આધુનિક ભારતનાં નિર્માતા સ્વામી વિવેકાનંદનાં વિચારોને પ્રદિપાદિત કરતા સુત્ર “એક-ભારત શ્રેષ્ઠ ભારત” ને સાર્થક કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનો સુંદર વિચાર એકતાની દિવાલ (વોલ ઓફ યુનિટી)એ એક ઐતિહાસિક મિશાલ દેશવાસીઓનાં હ્રદયમાં કાયમ કરી છે. સાચે જ એકતાની મુર્તિનાં પ્રતિક લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં વિશ્વની વિશાળકાય પ્રતિમા યુગો-યુગો સુધી આવનારી પેઢીમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરશે,સાથોસાથ અહિયા ગરીબ આદિવાસી સમુદાય અને ખાસ કરીને મહીલાઓને રોજગાર આપવાનું ઉત્તમ ઉદાહરણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પુરૂ પાડયુ છે. લોખંડી પુરૂષને દેશવાસીઓ તરફથી વિકાસ પુરૂષ પ્રધાનમંત્રી તરફથી અર્પેલી સાચી શ્રદ્ધાંજલી અનંતકાળ સુધી ભાવિ પેઢીને પ્રેરણા આપતી રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી અશ્વિનિકુમાર ચૌબે અને ગુજરાતનાં વન-પર્યાવરણ રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.