Site icon Revoi.in

અયોધ્યાના ધનીપુરમાં બનનારી મસ્જિદને આધુનિક તકનીકની મદદથી ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવશે

Social Share

અયોધ્યાના ધનીપુરમાં બનનારી મસ્જિદને આધુનિક તકનીકની મદદથી ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવશે. મસ્જિદની ઇમારત દેખાવમાં ગોળ હશે. આ મસ્જિદની ખાસ વાત એ હશે કે, તે ઝીરો એનર્જી બિલ્ડિંગના રૂપમાં બનાવવામાં આવશે. એટલે કે,ઇમારતમાં જેટલો પણ વીજળીનો વપરાશ થાય છે તે અહીં તૈયાર કરવામાં આવશે. આ માટે ઇમારતની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ ઇમારતના બાહ્ય ભાગમાં હરિયાળી માટે દુનિયાભરના દુર્લભ છોડ અહીં લાવીને લગાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, પાંચ એકર જમીનમાં મસ્જિદ, સુપર સ્પેયાલિસ્ટ હોસ્પિટલ, લાઈબ્રેરી, કમ્યુનિટી કિચન, મ્યુઝીયમ અને રીસર્ચ સેંટર બનાવવામાં આવશે. રીસર્ચ સેંટરના નકશા માટે ઈન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને જામિયા મિલ્લીયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર વિભાગના પ્રોફેસર એસ.એમ. અખ્તરની સહાયતા લીધી છે. મસ્જિદની ઇમારત લગભગ 15 હજાર ચોરસ ફૂટની આધુનિક શૈલીમાં બનાવવામાં આવશે. દેશભરની બાકી મસ્જિદોથી ધૂનીપુરની આ મસ્જિદ પરંપરાગત સ્વરૂપથી એકદમ અલગ હશે.

પાંચ એકરના આખા કેમ્પસમાં વીજ ઉત્પાદન માટે તૈયારી ચાલી રહી છે. આ ઇમારત ઝીરો એનર્જી બિલ્ડિંગની કલ્પના પર બનાવવામાં આવશે. અહીં વપરાયેલી વીજળીનો 100 ટકા ભાગ સૌર ઉર્જામાંથી પેદા થશે. હરિયાળીની સાથે જ આ ઇમારતમાં જળસંચય પણ કરવામાં આવશે. મસ્જિદ કોમ્પ્લેક્સ સિવાય આ પાંચ એકર જમીનમાં વધુ એક ભવ્ય ઇમારત બનાવવામાં આવશે, જેમાં હોસ્પિટલ અને વહીવટી ભવન હશે. આ કેમ્પસમાં એક લાઈબ્રેરી પણ હશે. ફાઉન્ડેશન અહીં બનનાર મ્યુઝિયમ અને અભિલેખાગારનું નિર્માણ ઇતિહાસકાર પુષ્પેશ પંતની સલાહ પર બનાવશે

ફાઉન્ડેશન અહીં ગરીબોને ભોજન પ્રદાન કરવાની પણ વ્યવસ્થા કરશે. દરરોજ આશરે એક હજાર ગરીબ લોકોને ભોજન આપવામાં આવશે. આ માટે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન અહીં સામુદાયિક કિચન પણ બનાવી રહ્યું છે. આ સાથે હોસ્પિટલના દર્દીઓને ભોજન આપવાની ઉપરાંત દરરોજ એક હજારથી વધુ ગરીબ લોકોને નિ: શુલ્ક ખોરાક આપવામાં આવશે. આ ખોરાક ખાસ કરીને નજીકમાં કુપોષિત મહિલાઓ અને બાળકોમાં વિતરણ કરવામાં આવશે.

-દેવાંશી