Site icon Revoi.in

પાકિસ્તાન બલૂચી ફ્રીડમ ફાઈટરોએ ગેસ પાઈપલાઈન ઉડાવી, 4 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના મોત

Social Share

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના દમનથી કંટાળી ચૂકેલા બલૂચો છેલ્લા સાત દશકાઓથી સ્વતંત્રતાની માગણી સાથે વિદ્રોહ કરી રહ્યા છે. આવા જ બલૂચ ફ્રીડમફાઈટરોએ ડેરા બુગ્તીમાં એક ગેસ પાઈપલાઈનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. બલૂચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરાવવાનું પક્ષધર વિદ્રોહી સંગઠન બલોચ લિબરેશન ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે સુઈ ગેસ પ્લાન્ટ નજીક બલોચ ફ્રીડમફાઈટર્સે ગેસ પાઈપલાઈનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી.

એક સ્થાનિક પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે બલોચ લિબરેશન ટાઈગરે એક નિવેદન જાહેર કરીને ડેરા બુગ્તીમાં આવેલી સુઈ ગેસ ફીલ્ડ પર ઘાતક હુમલાની જવાબદારી લધી છે. આ હુમલા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે, તેમાં ચાર સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે.

ન્યૂઝ એજન્સીએ સ્થાનિક સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છેકે ગેસ પાઈપલાઈનામાં વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી. તેમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત નીપજ્યા હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ મામલાની સત્તાવાર પુષ્ટિ ત્યારે કરાઈ ન હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, આવો જ એક વિસ્ફોટ સુઈ ગેસ ફીલ્ડમાં થયો, જ્યાં બલોચ રિપબ્લિકન આર્મીએ 28 ઈંચની એક ગેસ પાઈપલાઈનને ઉડાવી દીધી હતી.

મહત્વપૂર્ણ છે કે આઝાદી માટે લડી રહેલા બલૂચી સંગઠન પાકિસ્તાન પર બલૂચિસ્તાનમાં રહેલા કુદરતી સંસાધનોના દોહન કરવાથી નારાજ છે. આ બલૂચી સંગઠનોનું કહેવું છે કે પાકિસ્તાનની સરકાર અહીંના સંસાધનો અન્ય રાજ્યોમાં મોકલે છે, જ્યારે સ્થાનિક બલૂચી ગરીબીમાં જીવન ગુજારે છે. બલૂચિસ્તાનમાંથી નીકળનારા ગેસને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોકલવામાં આવે છે, જ્યારે બલૂચિસ્તાનના લોકોની પાસે ભોજન બનાવવા માટે રાંધણગેસ સુદ્ધાં ઉપલબ્ધ કરાવાતો નથી.

મહત્વપૂર્ણ છે કે બલૂચિસ્તાનમાં ગેસ, ખનીજ અને અન્ય કુદરતી સંસાધનોની ભરમાર છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરાકર આ સંસાધનોનું દોહન તબક્કાવાર રીતે કરી રહી છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક બલૂચોને અલગ પાડી દેવામાં આવ્યા છે. પોતાના જ રાજ્યમાં કુદરતી સંસાધનોમાં હિસ્સો નહીં મળવાથી બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાનથી વિદ્રોહ કરી રહ્યા છે.

બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો પર પાકિસ્તાની સેના આતંક ફેલાવી રહી છે. આ વિસ્તારોમાંથી યુવકોના કિડનેપિંગ, તેમની હત્યાની વાત સામાન્ય બની ચુકી છે. ગત કેટલાક વર્ષોમાં અહીં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ અને આઝાદીની માગણીએ જોર પકડયું છે.