Site icon Revoi.in

બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળ સપાટી 598.70 ફુટે પહોંચતા નદીમાં 2000 ક્યુસેક પાણી છોડાયુ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં 598.70 ફુટ પાણી ભરાતા શનિવારે 2000 ક્યૂસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા હતા.

બનાસકાંઠામાં અને રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં દાંતીવાડા ડેમમાં હાલ 598.70 ફૂટ પાણી ભરાતા તંત્ર દ્વારા 2000  ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતુ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ભાજપના અનેક નેતાઓ ડેમાંથી નદીમાં પાણી છોડાતા સમયે હાજર રહ્યા હતા. જેમાં શંકરભાઈ ચૌધરીના હસ્તે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને હવે 2000 ક્યૂસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર આધારિત જિલ્લો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે અને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે. જેથી ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા ન હતા. ત્યારબાદ ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દાંતીવાડા ડેમ ભરાયો છે અને એમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી હવે બનાસકાંઠા જિલ્લાના પાણીના તળ ઊંચે આવશે તેવી ખેડૂતોને આશા બંધાણી છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહે છે.

ડેમનો દરવાજો ખોલી પાણી છોડતાં જ બનાસ નદી ફરી સજીવન થઈ છે. છેલ્લા ઘણા સમયથી ઉપરવાસમાં ઓછો અને નહિવત વરસાદના કારણે ડેમ પૂરતો ભરાતો ન હતો અને પાણી પણ છોડવામાં આવતું ન હતું. જેના કારણે બનાસ નદી સુકીભઠ્ઠ બની ગઈ હતી. ત્યારે ફરી એકવાર બનાસ નદીમાં ડેમમાંથી પાણી છોડતા નદી સજીવન થતા જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડેમમાં પાણી છોડતા પહેલા જ ડીસા ગ્રામ્ય મામલદાર ડૉ. કિશનદાન ગઢવીએ નદીકાંઠાના 17 જેટલા ગામના સરપંચો, તલાટી સહિત આગેવાનોને એલર્ટ કર્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો નદીમાં અવર-જવર ન કરે તેમ જ ઊંચાણવાળી જગ્યા પર રહે તે માટે સચેત રહેવા સૂચના આપી હતી.