અમદાવાદઃ જિલ્લના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાતા લોકમેળામાં ગુજરાતના વિવિધ ગામો અને રાજસ્થાન સહિત પરપ્રાંતના પશુપાલકો ઉમટી પડ્યાછે. આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં 5 હજારથી 6 હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા હતા. તોએટલું જ નહીં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી હતી સમયના બદલાવ સાથે આ મેળામાં ગણા પરિવર્તન આવ્યા છે. આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં, પરંતુ હવે ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણા પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે.
ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.આમ, ગુજરાતના સૌથી મોટા અને સતત 5 દિવસ ચાલનારા સુપ્રસિદ્ધ એવા કારતક સુદ અગિયારશથી શરૂ થતો આ વૌઠા મેળો સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ 7 નદીના સંગમ સ્થાન ઉપર ભરાય છે. તેનું પૌરાણિક મહત્વ પણ છે. વૌઠા ગામ નજીક નદીના પટ વિસ્તારમાં યોજાયેલા લોકમેળાને મહાલવા અનેક લોકો ઉમટી પડ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ગામ-પરગામથી પશુપાલકો ઉમટી પડ્યા છે. લોકોની એવી માન્યતા છે કે, સાત નદીઓના સંગમ પર સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યા જેટલું પૂર્ણ પ્રાપ્ત થાય છે. સંગમ સ્થાન ઉપર ગુજરાતના ખુણેખુણેથી તેમજ દેશના અન્ય પ્રાંતોના પણ લોકો પવિત્ર સ્નાન કરવા આવે છે અને ભકિત, શ્રદ્ધા અને ભાવનાના ધાર્મિક સંગમમાં ભાગ લઇ ધન્યતા અનુભવે છે અને મેળાની મજા માણે છે. કોરોનાના લીધે 2 વર્ષથી મેળો ન ભરાતા આ વખતે વધુ માનવ મહેરામણ ઉમટયુ છે. મેળાના આ વર્ષે પ્રથમ દિવસે મંનોરંજન, ખાણીપીણી, રમકડા વગેરેના સ્ટોલ સજજ થઇ ગયા હતા. આમ પ્રથમ દિવસે મેળામાં લોકો મોટી સંખ્યામાં આવ્યાં હતા.

