Site icon Revoi.in

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ તલની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

Social Share

ભાવનગર:  જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પાકની પુષ્કળ આવક થઇ રહી છે. મહુવા યાર્ડમાં ગુરૂવારે સફેદ તલના ભાવ વધુ બોલાયા હતા. મહુવા યાર્ડમાં સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ બોલાયા હતા. સફેદ તલના નીચા ભાવ 3,226 રૂપિયા રહ્યા હતા. આ ઉપરાંત સફેદ તલના એક મણના 3,490 રૂપિયા ભાવ રહ્યા હતા અને કાળા તલના એક મણના 3,290 રૂપિયા ભાવ રહ્યા હતા. આ વખતે મહુવા અને તળાજા વિસ્તારમાં સફેદ તલનું ઉત્પાદન સારૂએવું થયું છે.

મહુવા માર્કેટ યાર્ડમાં છેલ્લા મહિનાથી વિવિધ જણસીની આવક વધી રહી  છે.  અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા. હાલ યાર્ડમાં કપાસ, ડુંગળી, નાળિયેર, તલ, જીરુંનાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. યાર્ડમાં ગુરૂવારે 40 ગુણી  સફેદ તલની આવક થઇ હતી. જેમાં તલનાં એક મણના ઉંચા ભાવ 3,490 રૂપિયા બોલાયા હતા ત્યારે નીચા ભાવ 3,226 રૂપિયા બોલાયા હતા.

મહુવા યાર્ડમાં ચણાની પણ સારી આવક થઇ રહી છે. યાર્ડમાં ચણાના એક મણના ઉંચા ભાવ 1,150 રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ 600 રૂપિયા અને સામાન્ય ભાવ 920 રૂપિયા રહ્યા હતા. ચણાની 19 ગુણીની આવક થઇ હતી. આ ઉપરાંત સીંગદાણાના એક મણના 1,472 રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચા ભાવ 751 રૂપિયા રહ્યા હતા. યાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ 453થી 576 રૂપિયા સુધી બોલાવ્યો હતો. ટુકડા ઘઉંનો ભાવ 462થી 665 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાની 1,207 ક્વિન્ટલ આવક થઇ હતી.

ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 1,19,100 હેકટર હતું તે આ સપ્તાહે વધીને 3,16,100 હેકટર થઇ ગયું છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 40,46,300 હેકટર જમીનમાં થયું છે. તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 30,80,600 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યના 76.13 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે.