Site icon Revoi.in

અમદાવાદ શહેર બન્યુ ભુવાનગર, જમાલપુરમાં રસ્તાની વચ્ચે પડ્યો ભુવો

Social Share

અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન મણિનગર અને ગોમતીપુરમાં જર્જરિત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયાની ઘટના ભુલાઈ નથી. બીજી તરફ શહેરના માર્ગો ઉપર ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે, દરમિયાન શહેરના જમાલપુર વિસ્તારમાં રસ્તાની વચ્ચે જ ઉંડો ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે રસ્તામાં મોટો ભુવો પડ્યો હતો. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગેની જાણ થતા જ મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભુવો પુરવાની કામગીરી શરૂ કરી હતી.

શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાયાં હતા. તેમજ મનપા દ્વારા ચોમાસા પૂર્વે કરાયેલી પ્રિ-મોનસુનની કામગીરીની ભારે વરસાદમાં પોલ ખુલી હોય તેમ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં શુક્રવારે પડેલા ભારે વરસાદને પગલે મનપાના કન્ટ્રોલ રૂમને લગભગ 47 જેટલી ફરિયાદો મળી હતી. તેમજ શહેરના વિવિધ માર્ગો ઉપર ઘુટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં હતા.

અમદાવાદ શહેરમાં આજે સવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. જેથી શહેરીજનોએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, બપોરના સમયે આકાશમાં ફરીથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

(ફોટો-ફાઈલ)