Site icon Revoi.in

આસામના CMની મોટી કાર્યવાહી,બાળ વિવાહ કરાવવા કે કરાવનાર 1800 લોકોની ધરપકડ

Social Share

દિસપુર: આસામ પોલીસે ચાઈલ્ડ મેરિજના મામલામાં ગુરુવારથી કાર્યવાહી તેજ કરી છે.પોલીસે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ કરી છે.આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ જાણકારી આપી.આ પહેલા આસામના સીએમએ કહ્યું હતું કે,રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધાયા છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું હતું કે,તેમની સરકાર રાજ્યમાં બાળ લગ્નને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે,આ મામલામાં 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું કે,આસામ પોલીસે રાજ્યમાં બાળ લગ્નના 4004 કેસ નોંધ્યા છે.3 ફેબ્રુઆરીથી પોલીસ કાર્યવાહી શરૂ થશે.હું સૌને સહકાર માટે અપીલ કરું છું.હકીકતમાં, ગયા મહિને જ આસામ કેબિનેટે બાળ લગ્ન સામે પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને આ બાબતોમાં તમામ હિતધારકો પાસેથી સહકાર માંગ્યો હતો.એટલું જ નહીં, સરકારે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે,આગામી 5-6 મહિનામાં આવા હજારો લોકોની  ધરપકડ કરવામાં આવશે.કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે યોન સબંધ બનાવવા એ ગુનો છે, પછી ભલે તે કાયદેસરનો પતિ હોય. સરમાએ કહ્યું કે,મહિલા માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.તેમણે કહ્યું કે,ઘણા (છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો)ને આજીવન કેદની સજા થઈ શકે છે.

તાજેતરમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે,આસામમાં માતા અને શિશુ મૃત્યુ દર ઘણો વધારે છે.તેનું એક મુખ્ય કારણ બાળ લગ્ન છે.

આ પછી રાજ્ય સરકારે બાળ લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, પોલીસને બાળ લગ્નની પ્રથા સામે ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 4004 કેસ નોંધ્યા છે.તેમાંથી ધરબીમાં 370, હોજાઈમાં 255, ઉદલગુડીમાં 235 અને મોરીગાંવમાં 224 કેસ નોંધાયા છે.