મુંબઈ:T20 વર્લ્ડ કપ 2022ની સીઝન શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.જોકે, આ ફેરફાર વનડે ફોર્મેટ માટે કરવામાં આવ્યો છે.સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમીંસને હવે ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. કપ્તાની સાથે સાથે વનડે વર્લ્ડ કપ જીતવાની જવાબદારી પણ પેટ કમીંસના ખભા પર રહેશે. કારણ કે વનડે વર્લ્ડ કપ પણ આવતા વર્ષની શરૂઆતમાં યોજાવા જઈ રહ્યો છે.પેટ કમીંસ પહેલાથી જ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન ટીમે ઘરઆંગણે શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ પણ રમવાની છે.આ પણ હોમ સિરીઝ રહેશે. આ સિરીઝથી 29 વર્ષીય પેટ કમીંસ વનડે ફોર્મેટમાં કેપ્ટનશીપની શરૂઆત કરતા જોવા મળશે.જ્યારે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની એરોન ફિન્ચ સંભાળી રહ્યો છે.
વાસ્તવમાં આ પહેલા એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી રહ્યો હતો.પરંતુ તેણે ગયા મહિને જ (સપ્ટેમ્બર) વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.આ જ કારણ હતું કે,ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે વનડે ફોર્મેટ માટે ટીમના નવા કેપ્ટનની નિમણૂક કરવી પડી હતી.
આ ચર્ચા બાદ બોર્ડે પેટ કમીંસને કમાન સોંપી હતી.ફિન્ચે તેની 146મી અને અંતિમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે કેર્ન્સમાં રમી હતી.જોકે, ફિન્ચ ટી-20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.