Site icon Revoi.in

અમદાવાદમાં જન્મદર ઘટ્યોઃ એક વર્ષમાં 89 હજાર બાળકોનો થયો જન્મ

Social Share

અમદાવાદઃ ભારતની વસતી 130 કરોડથી વધારે છે. જો કે, લોકોમાં આવેલી જાગૃત્તાના કારણે હવે ભારતમાં જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં વર્ષ 2019માં 1.06 લાખ બાળકોનો જન્મ થયો હતો. જેની સરખામણીમાં વર્ષ 2020માં 89203 બાળકોનો જન્મ થયો હતો. જો કે, વર્ષ-2019માં કુલ 1290 બાળકો મૃત હાલતમાં જન્મ્યાં હતા તો વર્ષ-૨૦૨૦માં જન્મ સમયે મૃત હાલતમાં જન્મેલા બાળકોની સંખ્યા 1220 નોંધાવા પામી હતી.

અમદાવાદ શહેરમાં થતાં દરેક જન્મ અને મૃત્યુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં નોંધણી કરાવવી ફરજીયાત છે. વર્ષ-2019માં શહેરમાં 56566 દીકરા અને 49671 દીકરીનો જન્મ થયો હતો. વર્ષ-2020માં 47224 દીકરા અને 41977 દીકરીઓ મળીને કુલ 89203 બાળકોનો જન્મ તંત્રના ચોપડા ઉપર નોંધાવા પામ્યો હતો. મૃત હાલતમાં જન્મેલા બાળકોની સંખ્યા જોવામાં આવે તો વર્ષ-2019માં 735 બાળકો અને 555 બાળકીઓ મળી કુલ 1290 બાળકો મૃત હાલતમાં જન્મ્યાં હતા. જયારે વર્ષ-2020માં 714 બાળકો અને 506 બાળકીઓ મળી કુલ 1220 બાળકો મૃત હાલતમાં જન્મ્યા હતા.

આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે શહેરમાં થતા દરેક જન્મ કે મૃત્યુ અંગેની નોંધ 21 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં કરાવવી ફરજીયાત છે. આ પછી જો નોંધ કરાવવામાં આવે તો લેટ ફી લઈને તંત્ર દ્વારા તેની નોંધ કરવામાં આવતી હોય છે