Site icon Revoi.in

ભાજપ પાસે અપાર ધન છે, તેનો ઉપયોગ વિપક્ષને તોડવામાં કરે છેઃ પ્રિયંકા ગાંધીએ કર્યા પ્રહાર

Social Share

વલસાડઃ લોકસભાની ચૂંટણીમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ  વડાપ્રધાન મોદી પર ખાસ અલગ જ અંદાજથી પ્રહારો કરીને ગુજરાતની જનતાને સલાહ આપી હતી કે, મોદી અંકલની વાત માનતા નહી, પ્રિયંકાએ તત્કાલિન વડાપ્રધાન વાજપેયીના વખાણ પણ કર્યા હતા. તેમજ ભાજપ પાસે અપાર ધનભંડોળ હોવાથી એના નાણાનો ઉપયોગ વિપક્ષનો તોડવામાં કરાતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

પ્રિયંકા ગાંધીએ ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે, આ સરકાર તમને પાણી નથી આપી શકતી, તમારૂ ઘર નથી બનાવી શકતી, તમને રોજગાર નથી આપી શકતી, તેઓ સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એક પણ વાત નથી કરી રહ્યા. 10 વર્ષથી તેઓની સરકાર છે, પણ હવે મને નથી લાગતુ કે આગળના પાંચ વર્ષ જનતા તેઓને સહન કરી શકે, રોજગારની ક્યાય વાત નથી કરતા, મોંઘવારીની વાતો નથી કરતા, શિક્ષણની વાતો નથી કરતા. બસ 70 વર્ષમાં કઈ નથી કર્યું એમ જ કહ્યા કરે છે. પુછો તેઓને કે આઈઆઈટી કેટલી તમે બનાવી છે, એમ્સ કેટલી બનાવી છે, શાળાઓ કેટલી બનાવી?  કેટલા લોકોને ગરીબીરેખાથી ઉપર લઈ આવ્યાં. ક્યારેય કહેશે નહીં, કેમ કે કઈ કહેવા માટે છે જ નહી. બસ ખાલી મોટા મોટા ઈવેન્ટ કર્યા રાખે છે. પાંચ વર્ષ સુધી કઈ નથી કર્યું એટલે હવે જનતા પુછી રહી છે કે બતાવો તમે શું કર્યુ છે તો ગભરાઈ રહ્યા છે એટલે ફરી હિન્દુ-મુસલમાન, વિશ્વ ગુરૂ, દુનિયાના સૌથી મોટા નેતા છે મોદી એવુ જ કહી રહ્યા છે.

પ્રિયંકાએ સભાને સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી. જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. આ જ જવાબદારી હોય છે પ્રધાનમંત્રીની. મે જોયા છે એવા પ્રધાનમંત્રીઓને કે જેઓએ જવાબદારી ઉઠાવી છે. હું એવુ નથી કહેવા માંગતી કે ખાલી મારા પરિવારના જ પ્રધાનમંત્રી હતા, હા ઈન્દિરાજી હતા કે જેઓ દેશ માટે શહિદ થઈ ગયા. રાજીવજી પણ શહિદ થઈ ગયા દેશ માટે. મનમોહનજી પણ કાંતિ લાવ્યા હતા દેશ માટે. અરે કોંગ્રેસ છોડો વાજપેયજી પણ હતા કે જેઓ સભ્ય વ્યક્તિ હતા. હું દાવા સાથે કહું છું કે આ દેશના પહેલાં PM છે જે તમારી સાથે ખોટું બોલે છે, જેના દિલમાં કોઈ ભાવના નથી. મોદી સરકાર તમારા અધિકારો છીનવે છે અને વિપક્ષને તોડે છે, કોંગ્રેસના તમામ ખાતા બંધ કરાવી દીધા, બે મુખ્યમંત્રીને જેલમાં નાખી દીધા. આ ભાજપ સરકાર પાસે અપારધન છે. જેનો ઉપયોગ વિપક્ષને તોડવામાં કરે છે.