Site icon Revoi.in

BJPના મહિલા મોરચાના અગ્રણી અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ

Social Share

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાની બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ અપાતા શહેરના પૂર્વ મેયર અને ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો, જ્યોતિ પંડ્યા નિરાશ થયો હતા. અને  સાંસદ રંજન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા હતા. અને રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. તેથી ભાજપ દ્વારા પક્ષમાંથી ડો, જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ભાજપએ ટિકિટ ન આપતા શહેરના પૂર્વ મેયર ડો.જ્યોતિ પંડ્યા નારાજ થયા હતો. ભાજપ દ્વારા લોકસભા બેઠક પર રંજન ભટ્ટને ટિકિટ આપી છે. તેથી જ્યોતિ પંડ્યાએ સાંસદ રંજન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવીને કહ્યું હતું કે વડોદરાનો વિકાસ નથી થયો તો પછી વિકાસના પૈસા બધા જાય છે ક્યાં? રંજન ભટ્ટને પાર્ટીએ કેમ ત્રીજી વાર ટિકિટ આપી તેની સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. અને પક્ષમાંથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. અને રાજીનામું આપે તે પહેલાં જ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને વડોદરાનાં નેતા ડોક્ટર જ્યોતિ પંડ્યાને ભાજપએ સસ્પેન્ડ કરી દેતા વડોદરા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. જોકે પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી હતી. આ મામલે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપે જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીના કાર્યકર તરીકે દરેકને પક્ષમાં જવાબદારી મેળવવાનો અધિકાર છે. પાર્ટીના હાઈકમાન્ડને માન આપવાની દરેક કાર્યકરોની જવાબદારી છે.

ડો. જ્યોતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે, હું સાંસદ રંજનબહેન ભટ્ટ કરતા ઉચ્ચ શિક્ષીત છું. હું મેયર હતી ત્યારે શહેરનો વિકાસ કર્યો છે. વડોદરા વિકાસમાં રાજ્યના અન્ય શહેરો કરતા પાછળ છે, તેની નોંધ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષને લેવી પડે તે શરમજનક બાબત છે. મારો સવાલ છે કે, અન્ય શહેરોમાં જે રીતે વિકાસ માટે ફંડ આવે છે તેજ રીતે વડોદરામાં આવે છે તો તે ફંડ ક્યાં જાય છે? મને કોઈનો વિરોધ નથી, રંજનબેનને કારણે પાર્ટીના કાર્યકરો નારાજ છે. રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવી કેમ જરૂરી છે?, હાલમાં કોઈપણ પક્ષમાં જવાનો નિર્ણય નથી.