Site icon Revoi.in

ડીસા તાલુકામાં વાવાઝોડાને લીધે 100 વીજપોલ ઘરાશાયી થતાં 7 ગામોમાં અંધારપટ

Social Share

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો, વીજળીના પોલ ધરાશાયી થયા હતા. તેમજ ખેતીપાકને પણ નુકશાન થયું હતું. ડીસા તાલુકામાં વાવાઝોડાને કારણે 100 જેટલાં વીજળીના પોલ પડી જતાં સાત જેટલા ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ છવાયો છે. વીજળી વિના ગ્રામજનો પરેશાન બનતા વીજ કર્મચારીઓને મદદ કરવા ગ્રામજનો દોડી આવ્યા છે. અને વીજ પોલ ઊભા કરવામાં મદદ કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ગત રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. જેના કારણે  ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વીજ ડીપી અને થાંભલાઓ ધરાશઇ થઈ જતા ત્રણ દિવસ બાદ પણ સાતથી વધુ ગામડાઓમાં હજુ સુધી વીજળી ચાલુ થઈ નથી.અતિઝડપે ફૂંકાયેલા પવનથી આવેલા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાખ્યો હતો અને અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. તેમાંથી યુજીવીસીએલ પણ બાકાત રહી શક્યું નથી.

યુજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ વાવાઝોડાને કારણે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં 100 થી વધુ વીજ થાંભલાઓ ધરાશાયી થઇ ગયા હતા. જ્યારે અનેક જગ્યાએ વીજ ડીપી પણ નુકસાનગ્રસ્ત થઇ હતી. જેના કારણે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ત્રણ દિવસ બાદ પણ હજુ સાતથી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કામ પૂર્ણ થતાં જ વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવશે.

આ અંગે થેરવાડા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે અમારા ગામમાં પણ મોટું નુકસાન થયું છે.વર્ષો જૂના ઝાડ વીજ લાઈન પર પડતા વાયરો અને થાંભલાઓ પડી જતા વીજપુરવઠો બંધ થઇ ગયો છે. અમે લોકોએ જાતે જ વીજલાઈન પર પડેલા ઝાડ કાપીને દૂર કર્યા છે. વીજળી ન હોવાના કારણે ત્રણ દિવસથી પાણી આવ્યું નથી. જેથી પશુપાલન સહિત લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. (file photo)