Site icon Revoi.in

વડોદરામાં સુરસાગર તળાવમાં વર્ષો બાદ બોટિંગનો પ્રારંભ, જાણો ક્યા સમયે મળશે લાભ

Social Share

વડોદરાઃ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શહેરીજનોને ફરવા લાયક અનેક સ્થળોનું નિર્ણાણ કરાયું છે. બહારગામથી આવનારા લોકો પણ કમાટી બાગ સહિત સ્થળોની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે શહેરના સુરસાગર તળાવમાં બોટિંગની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ તો વર્ષો પહેલા બોટિંગની સુવિધા હતી. અને શહેરીજનોને તેનો લાભ મળતો હતો. પરંતુ એક બોટ દુર્ઘટનાને લીધે બોટિંગ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જે 29 વર્ષ બાદ ફરીવાર બોટિંગ સેવા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે.  વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગની સેવાનો શુક્રવારથી ફરીવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.  પ્રવાસીઓ સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી બોટિંગ કરી શકશે. જેના માટે 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જો કે, 12 વર્ષથી નાના બાળકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરના ઐતિહાસિક એવા સુરસાગર તળાવની આજુબાજુ ગીચ વિસ્તાર આવેલો છે અને ત્યાં વર્ષોથી વાહનોના પાર્કિંગની ઘણી મોટી સમસ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોટિંગની  સેવા તો શરૂ કરવામાં આવી છે પરંતુ  નાગરિકોનો માટે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાના કારણે પરેશાની ભોગવવી પડશે. તદુપરાંત નાગરિકો માટે શૌચાલય અને ફુડ સ્ટોલ જેવી વ્યવસ્થાઓ પર ઉભી કરવી પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, 1993માં સુરસાગરમાં બનેલી નૌકા દુર્ઘટના પછી ત્યાં બોટિંગ બિલકુલ બંધ થઇ ગયું હતું. 29 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ બંધ રહ્યા પછી સેવાસદનના સત્તાધીશોએ તેના પુન: બોટિંગ સેવા શરૂ કરવા માટેની કવાયત આદરી હતી. આ પહેલા 2009માં પણ સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની વાતો થઇ હતી. પણ બોટિંગ સેવા શરૂ થઇ શકી નહોતી.