અમદાવાદ, 26 એપ્રિલ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની લગભગ 15 જેટલી મનપામાં આજે સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, ચૂંટણીપંચના અધિકારીઓએ તાત્કાલિક ઈવીએમ બદલીને ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખી હતી. દરમિયાન અમદાવાદ શહેરના ખાડિયા વોર્ડમાં બોસગ પોલીંગ એજન્ટ ઝડપાયો હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજકોટમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપા ખાડિયા વોર્ડમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે પોલીસ એજન્ટને લઈને ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. તેમજ પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી. ખાડિયા વોર્ડમાં સેટેલાઈટના રહીશને પોલીસ એજન્ટ તરીકે બેસાડવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન રાજકોટ વોર્ડ 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી હતી. મતદાન મથકના 100 મીટરના અંદર કાર્યાલય હોવાના મામલે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના ઉમેદવારની અટકાયતને પગલે વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

