ભૂજઃ કચ્છના સુપ્રસિદ્ધ માતાના મઢ તરીકે ઓળખાતા એવા કુળદેવી આઈ શ્રી આશપુરા માતાજીના મંદિરે છેલ્લા 450 વર્ષથી નવરાત્રિના આઠમના દિવસે માતાજીની મૂર્તિ પર પતરી રાખી તેને ઝીલવાની ધાર્મિક રસમ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી રહી છે. ત્યારે અશ્વિન નવરાત્રિની આઠમના સવારે યોજાતી પતરી વિધિ માટે રાજ પરિવારના બે પક્ષ વચ્ચે પતરી વિધિ કરવા માટે હક્ક દાવા કરાતા વિવાદ ઊભો થયો હતો. અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયા બાદ ગત વર્ષે રાણી પ્રીતિદેવીબાના હસ્તે પતરી વિધિ કરાયા બાદ આ વર્ષે મહારાજ કુંવર હનુમંતસિંહજી દ્વારા નવરાત્રિ પૂર્વેજ આ વખતે પતરી વિધિ તેમના દ્વારા કરવામાં આવશે એવી ઘોષણા કરી દીધા બાદ તૈયારીઓ આરંભી દીધી હતી. તેમના દાવાને માતાના મઢ મંદિર જાગીર અધ્યક્ષ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું હતું. અંતે વિવાદ વચ્ચે સોમવારે રાજ પરિવારના બંને પક્ષ દ્વારા પતરી ઝીલવાની વિધિ રાજ પરિવારના મોટી સંખ્યમાં ઉપસ્થિત સભ્યો, પોલીસ બંદોબસ્ત સાથે સંપન્ન થયો હતો. સાડા ચાર સદી જૂની આસ્થાના પ્રસંગે પ્રથમ વખત આઠમના દિવસે બે વખત પતરી ઝીલવાની વિધી યોજાઈ હતી.
કચ્છના સુપ્રસિદ્ધ એવા માતાના મઢ ખાતે મા આશપુરાના સાનિધ્યમાં આસોની આઠમના સવારે પતરીવિધિ માટે જાગીર ટ્રસ્ટ દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પુરી કરી લીધી હતી. અને સાતમની પૂર્વ સંધ્યાથી રાજ પરિવારના બંને પક્ષ દ્વારા ભૂજ ખાતેના આશપુરા માતાજીના મંદિરે ચામર ઉપાડવાની એક બાદ એક કરી હતી. અને માતાના મઢે પતરી વિધિ કરવા માટે પોત-પોતાના નિર્ણયો જાહેર કરાયા હતા. જોકે ભારે ચર્ચા જગાવનારા પતરી વિવાદ સોમવારે શાંતિપૂર્ણ રીતે સમી ગયો હતો. વહેલી સવારે પ્રથમ રાજ પરિવારના મ.કુ. હનુમંતસિંહજી તેમના પરિજનો અને કાફલા સાથે માતાના મઢ મંદિરમાં મા આશપુરાની મૂર્તિ સન્મુખ ઉભા રહી પતરી વિધિ ઝીલી હતી. અને જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અને ત્યારબાદ પ્રીતિદેવીબાએ પણ મંદિરમાં આવી મા આશાપુરાની મૂર્તિ પરની પતરી પાલવમાં ઝીલી કચ્છના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પતરી વિધિ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
માતાનામઢ ખાતેના મા આશાપુરાના મંદિરે અશ્વિન નવરાત્રિની આઠમના વહેલી સવારે કચ્છ રાજ પરિવાર દ્વારા જિલ્લાના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે અને પતરી નમક વનસ્પતિ નજીકના પર્વતી વિસ્તારમાંથી મંદિરના ભાવિકો દ્વારા એકત્ર કરવામાં આવે છે. જેને આઠમની વહેલી પ્રભાતે માતાજીની મૂર્તિની જમણી તરફ બાજુ પર રાખવામાં આવે છે. અને ઘંટારવ સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. આ દરમિયાન રાજ પરિવારના એક સભ્ય માતાજી સન્મુખ ઝોળી ફેલાવી ઉભા રહે છે. અને માતાજીની મૂર્તિ પર રાખેલી પતરી આપમેળે ઝોળીમાં આવી પડે છે. જે માતાજીના સાક્ષાત આશિષ સ્વરૂપ માનવામાં આવે છે. આસ્થા દર્શાવતી પતરી વિધિ છેલ્લા 450 વર્ષથી રાજ ઘરાના દ્વારા યોજાતી રહી છે.