Site icon Revoi.in

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો, AQI 400ને પાર

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ ફરી એકવાર ગંભીર સ્તર ઉપર પહોંચ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝીયાબાદ સહિતના વિસ્તારમાં એક્યુઆઈ ખુબ ખરાબથી લઈને ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, અનેક સ્થળોએ AQI 350 થી ઉપર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 400નો આંકડો વટાવી ગયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી રહી છે.

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ છે. આંકડાઓ પર નજર કરીએ તો આનંદ વિહારમાં 418, વિવેકવિહારમાં 412, વઝીરપુરમાં 403, રોહિણીમાં 397, અશોકવિહારમાં 392, ચાંદની ચોકમાં 387 ક્યુઆઈઆર નોંધાયો હતો. આ ઉપરાંત, આર.કે. પુરમ (383), સિરીફોર્ટ (382) અને બવાના (380)માં પણ હવા અત્યંત ખરાબ છે. જ્યારે ડીટીયુ દિલ્હીમાં 378 અને કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 361 AQI નોંધાયો છે.

નોઈડાના સેક્ટર-1નો AQI 410 પર પહોંચ્યો છે, જ્યારે સેક્ટર-125 માં 373 અને સેક્ટર-116માં 364 નોંધાયો છે. ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં AQI 401, સંજય નગરમાં 332 અને ઈન્દિરાપુરમમાં 324 રેકોર્ડ કરવામાં આવ્યો છે. પ્રદૂષણની સાથે હવામાને પણ મુશ્કેલી વધારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ડિસેમ્બર સુધી મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ 9 ડિગ્રી રહેવાની શક્યતા છે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા)માં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ધુમ્મસને કારણે થતા અકસ્માતો રોકવા માટે રોડ સેફ્ટી મેનેજમેન્ટ કમિટીએ કડક સૂચનાઓ આપી છે. જો યમુના એક્સપ્રેસ વે પર દ્રશ્યતા શૂન્ય થી 0 મીટર વચ્ચે રહેશે, તો વાહનોને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં વાહનોને ફેસિલિટી સેન્ટર પર જ રોકી દેવામાં આવશે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી તેજ પવન કે વરસાદ નહીં થાય ત્યાં સુધી પ્રદૂષણ અને ધુમ્મસમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

Exit mobile version