Site icon Revoi.in

બીએસએફના નિર્દેશ પર ગુજરાતના બોર્ડરના ગામડાંમાં થયો ‘બ્લેકઆઉટ’

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશોની આંતરાષ્ટ્રીય સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઝીરો લાઈન પર વસેલા ગુજરાતના ગામડામાં બીએસએફે અંધારું થયા બાદ પ્રકાશ નહીં કરવાના નિર્દેશ જાહેર કર્યા છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા-રાડોસન ગામ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમાથી થોડાક જ અંતરે આવેલા છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 300ની વસ્તી ધરાવતા આ ગામમાં સુરક્ષાને કારણે અંધારું થવા પર લાઈટ નહીં કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની સાથે જ પાડોશમાં આવેલા જાલોયા, માવસારી અને શિવનગરમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટના નિર્દેશ આપવામાં આવ્યા છે.

બીએસએફ દ્વારા આ ગામડાની દિવાલો પર હેલ્પલાઈન નંબર પણ લખ્યા છે. ગ્રામજનોને ઈન્સ્પેક્ટર અને બીએસએફના કમાન્ડન્ટના નંબર આપવામાં આવ્યા છે. તેની સાથે જ કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની માહિતી આપવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

સીમા પરના આખરી ભારતીય ગામ ઈવાલમાં પણ રાત્રે મકાન અને સડકોની લાઈટ નહીં કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. માત્ર ગણતરીની દુકાનો અને ઈમરજન્સીના મામલામાં લાઈટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અંધારામાં લાઈટ સળગાવાથી પાકિસ્તાન તરફથી તેમને સરળતાથી નિશાન બનાવાય તેવી શક્યતા રહેલી છે.

સડક માર્ગે આંતરરાષ્ટ્રીય સીમા આ ગામડાંઓથી 20 કિલોમીટર દૂર છે. પરંતુ જો રણવિસ્તારના માર્ગે જવામાં આવે, તો આ અંતર માત્ર એક કિલોમીટરનું જ છે.