Site icon Revoi.in

પોઝિટિવ ન્યૂઝ: ઑગસ્ટમાં દેશના 10 લાખ લોકોને મળી રોજગારી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ દેશમાં આર્થિક મંદીનું મોજું ફરી વળતા અનેક લોકો બેરોજગાર બન્યા હતા જો કે બાદમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા હવે લોકોને મોટા પાયે રોજગારી મળી રહી છે. આ વાત EPFOના આંકડાઓથી સાબિત થાય છે. એમ્પોલઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO)માં ઓગસ્ટ મહિનામાં 10.05 લાખ શેર અંશધારક જોડાયા છે. જુલાઇમાં આ સંખ્યા 7.48 લાખ હતી.

EPFO દ્વારા ગત મહિને જાહેર કરાયેલ પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર આ વર્ષે જુલાઇમાં 8.45 લાખ સભ્યો હતા. આ આંકડો હવે સુધારીને 7.48 લાખ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2020માં જોડાનારા સભ્યોની સંખ્યા 10.21 લાખ હતી જે માર્ચમાં ઘટીને 5.72 લાખ રહી. આ અગાઉ જુલાઇમાં જારી અસ્થાયી આંકડા અનુસાર, એપ્રિલમાં 1 લાખ લોકો જોડાવાની વાત કહી હતી, જેમાં ઓગસ્ટમાં 20,164નો વધારો નોંધાયો હતો.

EPFO પાસે દર મહિને સરેરાશ 7 લાખ નવા રજીસ્ટ્રેશન હોય છે. તાજેતરની માહિતી અનુસાર, નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન નવા સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા વધીને 78.58 લાખ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 61.12 લાખ હતી.

ઇપીએફઓ એપ્રિલ 2018થી નવી નોંધણીનો ડેટા બહાર પાડતું આવ્યું છે. તેમાં સપ્ટેમ્બર 2017થી આંકડા લેવામાં આવ્યા છે. ‘પેરોલ’ આધારીત આ આંકડા મુજબ સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2020 દરમિયાન 1.75 કરોડ નવા નોકરીયાતો ઇપીએફઓમાં જોડાયા.

EPFO અનુસાર, ‘પેરોલ’ ડેટા અસ્થાયી છે અને કર્મચારીના રેકોર્ડ્સને અપડેટ કરવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. તે પછીના મહિનાઓમાં અપડેટ કરવામાં આવે છે. આ અનુમાન સંપૂર્ણપણે નવા સભ્યોના જોડાવા પર આધારિત છે.

(સંકેત)