Site icon Revoi.in

કિસાન રેલ હેઠળ ફળો-શાકભાજીના પરિવહનમાં મળશે 50% સબસિડી

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે કિસાન રેલના માધ્યમથી ફળ-શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો આદેશ જારી કર્યો છે. આ સબસિડી ઓપરેશન ગ્રીન ટોપ ટૂ ટોટલ યોજના હેઠળ આપવામાં આવશે.

સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે પાયલોટ આધારે 6 મહિના માટે ઓપરેશન ગ્રીન યોજનાને વિસ્તારીને ટામેટા, ડુંગળી, બટેટાથી લઇને તમામ ફળ અને શાકભાજીને આ દાયરામાં આવરી લેવાની જાહેરાત કરી હતી.

આપને જણાવી દઇએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, 500 કરોડ રૂપિયાના વધારાના ભંડોળ સાથે ઓપરેશન ગ્રીનનું વિસ્તરણ કરવામાં આવશે અને ટમેટા, ડુંગળી અને બટેટા સહિત તમામ ફળો અને શાકભાજીને સામેલ કરાશે.

રેલ મંત્રાલયે મંગળવારે જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ ફંડના ઉપયોગ માટે ભારતીય રેલવે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (MOFPI)ને ઉપયોગ પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ મંત્રાલય રેલવેને વધારાનું ફંડ આપશે. ઝોનલ રેલવેને વિનંતી કરાઈ છે કે તે કિસાન રેલ ટ્રેન દ્વારા પરિવહન થનાર ફળ-શાકભાજી પર તત્કાળ પ્રભાવે 50 ટકા સુધી સબસિડી આપે.

આમાં કહેવાયું છે કે, માલ લઈ જનાર સ્ટેશનના મુખ્ય પાર્સલ નિરીક્ષક એ વાતનું ધ્યાન રાખે અને તે જવાબદારી લે કે ફક્ત અધિસૂચિત સામાન પર જ આ યોજના હેઠળ લાભ મળે અથવા આપવામાં આવે. ઓડીટની રીતો અને અન્ય બાબતોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. અને આ વિશે જલ્દી જ સૂચનાઓ આપવામાં આવશે.

મહત્વનું છે કે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય પ્રારંભમાં આ યોજના માટે 10 કરોડ રૂપિયા આપશે. આ રકમને દક્ષિણ મધ્ય રેલવે ઝોન પાસે જમા કરાવવામાં આવશે.

(સંકેત)