Site icon Revoi.in

કોરોનાની મહામારી દરમિયાન હાથ પર રોકડ રાખવાનો ટ્રેન્ડ વધ્યો

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની મહામારી દરમિયાન લોકોમાં ઘરમાં રોકડ નાણાં રાખવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ડિજીટલ લેવડદેવડ છત્તાં 9 ઑક્ટોબર સુધી લોકો પાસે રોકડ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 22.5 ટકા વધી છે. 9 ઑક્ટોબર સુધી લોકો પાસે કુલ રૂ.26.09 લાખ કરોડ હતા. બીજી તરફ 31 માર્ચ સુધી 23.5 લાખ કરોડ હતા. તેનાથી પરથી એ સંકેત મળે છે કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સામાન્ય લોકોએ વધારાના 2.6 લાખ કરોડ રૂપિયા ઉઠાવ્યા છે.

રિઝર્વ બેંકના આંકડાઓ પરથી કહી શકાય કે 9 ઑક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન લોકો પાસે રોકડમાં 0.9 ટકા એટલે કે 23,599 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તાજેતરના આંકડાઓમાં માહિતી મળે છે કે ઑક્ટોબરના પ્રથમ પખવાડિયા દરમિયાન UPIતી થતા વ્યવહારો 1 અબજ રૂપિયાને વટાવી ગયા છે અને તહેવારો દરમિયાન આ આંક 2 અબજને વટાવે તેવું જાણકારોનું માનવું છે.

પ્રવર્તમાન સમયમાં સરકાર લોકોને કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રાધાન્ય આપવા અપીલ કરી રહી છે તો બીજી તરફ વાસ્તવિક ચિત્ર પર નજર કરીએ તો હજુ પણ મધ્યમ અને નાના શહેરોમાં હાથમાં રોકડ લોકોની પ્રથમ પ્રાથમિકતા છે.

હજુ પણ ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન માંગને પહોંચી વળવા માટે રોકડને જ ઘરમાં રાખવામાં આવે છે અને રોકડથી જ લેવડદેવડને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેનું બીજું એક કારણ એ પણ છે કે સ્થાનિક દૂકાનદારો ડિજીટલ ચૂકવણી માટે તૈયાર નથી કારણ કે ટેક્સ લાયબિલિટીથી બચી શકાય. તેથી તેઓ પણ ગ્રાહકોને રોકડથી ચૂકવણી કરવા માટે આગ્રહ કરે છે.

(સંકેત)