Site icon Revoi.in

કેન્દ્ર સરકાર હવે રાજ્યોને રાહતદરે અડદ-મગ દાળ આપશે

Social Share

કોરોનાના કાળ દરમિયાન મોંઘવારીએ માઝા મૂકી છે. શાકભાજી અને કઠોળ-દાળના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને છૂટક વેચાણ માટે મગ અને અડદ દાળનો જથ્થો સબસિડીના ભાવે પૂરો પાડવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા ગ્રાહક બાબતોના સચિવ લીના નંદને કહ્યું કે રાજ્યોને મગ દાળ પ્રતિ 1 કિલો 92 રૂપિયા અને અડદ 84 રૂપિયા પ્રતિ 1 કિગ્રાના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે જે હાલના બજાર ભાવ કરતા નીચા છે.

છૂટક ભાવવધારાને અંકુશમાં રાખવા માટે આ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રોસેસિંગ થયેલ મગ અને અડદ દાળનો પુરવઠો માત્ર જથ્થાબંધ કે એક અથવા અડધા કિગ્રાના પેકેટમાં આપવાની રજૂઆત કરી હતી. રાજ્યોને આ દાળ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ બનાવેલ બફર સ્ટોકમાંથી પુરી પાડવામાં આવશે.

રાજ્યો પોતાની જરૂરિયાતનું આંકલન કરી, એડવાન્સ પેમેન્ટ બાદ માલ ઉપાડી શકે છે. નંદને કહ્યુ કે, આ દાળ સબસિડીના ભાવે કઠોળની નવી આવક સુધી બે મહિના માટે  પુરી પાડવામાં આવશે. તેમાં લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય ટેક્સ શામેલ થશે.

મગની માટે ઓર્ડર 14 સપ્ટેમ્બર જારી થઇ ચૂક્યુ છે. તો અડદની માટે આની પ્રક્રિયા ચાલુ છે.  પ્રોસેસિંગ, ઉપાડ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચની સાથે ડીલરનું માર્જિન કેન્દ્ર સરકાર ભોગવશે. અગાઉ આવું ન હતુ.

નોંધનીય છે કે આ દાળનો જથ્થો એમએસપીની સાથે અન્ય કરવેરા ઉમેરીને અપાશે. તે ઉપરાંત રાજ્યોને બફર સ્ટોકમાંથી અડદ દાળ 84 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે આપવાની રજૂઆત કરાઇ છે.

(સંકેત)