Site icon Revoi.in

બિહાર ચૂંટણી 2020: રૂ.282 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા

Social Share

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને ચોક્કસપણે કહીએ તો આ વર્ષના ઑક્ટોબરની 19મી અને 28મી વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય પક્ષોને 282 કરોડ રૂપિયા મળ્યા હતા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આપને જણાવી દઇએ કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ 282 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચ્યા હતા.

વર્ષ 2018માં શરૂ કરાયેલી આ યોજના પછી અત્યારસુધીમાં રાજકીય પક્ષોને કુલ 6493 કરોડ રૂપિયા મળી ચૂક્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ્સ એક એવી યોજના છે જેમાં જે તે રાજકીય પક્ષોને કોણે કેટલી રકમ દાનમાં આપી એનો કદી અણસાર આવતો નથી કે હિસાબ મળતો નથી.

એક અંગ્રેજી અખબારે RTI હેઠળ માગેલી માહિતીમાં આ વિગતો મળી હતી. ઑક્ટોબરની 19મી અને 28મી વચ્ચે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ 1 કરોડ રૂપિયાનો એક એવા 279 બોન્ડ વેચ્યા હતા જ્યારે 10 લાખ રૂપિયાનો 1 એવા 32 બોન્ડ વેચ્યા હતા. અર્થાત્ આટલી જંગી રકમ જે તે રાજકીય પક્ષોને મળી હતી.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની મુંબઇની મુખ્ય શાખાએ ઇલેક્ટોરલ બોન્ડ્સની 14મી સીરિઝના 130 કરોડ રૂપિયાના બોન્ડ્સ બહાર પાડ્યા હતા જ્યારે આ બેંકની દિલ્હી શાખાએ ફક્ત 11 કરોડ 99 લાખના બોન્ડ્સ રિલીઝ કર્યા હતા. અન્ય ત્રણ શહેરોની શાખાઓએ કુલ 237 કરોડના બોન્ડ્સ વેચ્યા હતા. બિહારની રાજધાની પટણાની વાત કરીએ તો અહીંયા 80 લાખ રૂપિયાના બોન્ડ્સ રિલીઝ થયા હતા.

મહત્વનું છે કે હૈદરાબાદમાં 90 કરોડ, ચેન્નાઇમાં 80 કરોડ, ભુવનેશ્વરમાં 67 કરોડના બોન્ડ્સ રિલીઝ થયા હતા. વર્ષ 2018માં શરૂ કરાયેલી આ યોજના પોલિટિકલ પાર્ટીઓને નાણાં આપવા માટે શરૂ કરાઇ હતી. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા 1 હજાર, 10 હજાર અને 10 લાખ અને 1 કરોડની કિંમતના બોન્ડ બહાર પડાયા હતા. એ ખરીદ્યા પછી 15 દિવસની અંદર જ જે તે પાર્ટીને આપી દેવાના હોય છે.

(સંકેત)