Site icon Revoi.in

દેશના અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, સતત 6 માસ ઘટાડા બાદ દેશની નિકાસ 5.27 ટકા વધી

Social Share

નવી દિલ્હી: કોવિડ-19ને કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે જો કે હવે અર્થતંત્રમાં સુધારા અને વૃદ્વિના સંકેતો મળી રહ્યા છે. સતત 6 માસનાં ઘટાડા બાદ દેશની નિકાસ સપ્ટેમ્બર માસમાં વાર્ષિક આધારે 5.27 ટકા વધીને 27.4 અબજ ડોલર થઇ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વધી રહેલ નિકાસ ભારતીય અર્થતંત્રમાં તીવ્ર ગતિથી સુધારો થઇ રહ્યો છે તેનો સંકેત છે. નિકાસનું આ સ્તર કોવિડ-19 અગાઉના સ્તરને વટાવી ગયું છે.

તેઓએ ટ્વીટ મારફતે જાણકારી આપી હતી કે મેક ઓન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ ભારતની નિકાસ સપ્ટેમ્બર 2020માં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 5.27 ટકા વધી છે. સપ્ટેમ્બર 2019માં 26.02 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી હતી. કોરોના વાયરસની મહામારી અને તેને કારણે વૈશ્વિક સ્તર પર માંગમાં ઘટાડાને કારણે આ વર્ષે માર્ચ માસથી જ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલિયમ,ચાર્મ ઉપદં,એન્જીનીયરીંગ સામાન અને જેમ્સ-જવેલરી જેવા મુખ્ય ક્ષેત્રોની નિકાસમાં પણ ઘટાડો થયો હતો.

સપ્ટેમ્બર માસના આંકડા પર પ્રતિક્રિયા આપતાં ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોહિત સિંગલાએ કહ્યું હતું કે, નિકાસ સુધારાના માર્ગે છે કેમ કે આંતરરાષ્ટ્રીય બજાર હવે ખુલી રહ્યું છે અને ખરીદદારોએ ઓર્ડર આપવાના શરુ કરી દીધા છે.

નોંધનીય છે કે, ભારત સરકાર આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી હોવાથી મોટા ભાગના વસ્તુનું નિર્માણ હવે ભારતમાં જ થઇ રહ્યું છે જેને કારણે અનેક દેશો હવે આયાત માટે ભારત તરફ વળ્યા છે અને અનેક દેશોમાંથી માંગ વધી રહી છે જેને કારણે ભારતમાંથી નિકાસ વધી છે.

(સંકેત)