Site icon Revoi.in

અર્થતંત્રમાં રિકવરીના સંકેત: 8 મહિને પ્રથમવાર GSTની આવક 1 લાખ કરોડને પાર

Social Share

નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન લાગુ પડેલા લોકડાઉન બાદ શરૂ થયેલી અનલોકની પ્રવૃત્તિઓ બાદ અર્થતંત્રમાં વેગના સંકેતો મળી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરી મહિના પછી પ્રથમ વખત ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની આવક 1 મહિનામાં 1 લાખ કરોડને પાર કરી ગઇ છે. ઑક્ટોબરમાં જીએસટીની આવક 1.05 લાખ કરોડ થઇ છે. જે આર્થિક પ્રવૃત્તિ અને માંગમાં વધારો દર્શાવે છે.

નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે 31 ઑક્ટોબર સુધી ફાઇલ કરાયેલા GSTR-3B રિટર્ન્સની સંખ્યા 80 લાખ છે. આના થકી આ મહિનામાં જીએસટીની કુલ આવક 1,05,155 કરોડ  થઇ છે. જેમાં સીજીએસટીનું યોગદાન 19,193 કરોડ છે. એસજીએસટી 5411 કરોડ છે, આઇજીએસટીનો ફાળો 52,540 કરોડ રહ્યો હતો. આમાં આયાતી ચીજો પર લેવાયેલા 23,375 કરોડનો પણ સમાવેશ થાય છે.

આ ગાળામાં કુલ 8011 કરોડનો સેસ એકત્ર કરાયેલો છે. જેમાં આયાતી ચીજો પર એકત્ર કરાયેલા 932 કરોડનો સેસ પણ સામેલ છે. ઓક્ટોબરમાં જીએશટીની આવક ગત વર્ષે આ મહિને એકત્ર કરાયેલા 95,379 કરોડની આવકની સરખામણીએ 10 ટકા વધુ છે.

ફાયનાન્સ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ‘વેરાની આ‌વકનો ટ્રેન્ડ દર્શાવે છે કે છેલ્લાં થોડાક મહિનામાં તેમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ તે માત્ર સુધારાના પંથે જ નથી, પરંતુ વધારાની ગતિએ છે. સપ્ટેમ્બરમાં જીએસટીની આવક ગત વર્ષના આ જ ગાળાની સરખામણીએ ચાર ટકા વધુ હતી. ઓક્ટોબરમાં તેમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકાનો વધારો નોંધાયો હતો. જે  એક લાખ કરોડને પાર કરી ગઇ છે.’

નોંધનીય છે કે કોરોનાને કારણે થયેલા લોકડાઉનની અસર આર્થિક ગતિવિધિઓ પર પડી હતી અને તેનાથી જીએસટીની આવકમાં પણ ઘણો ફરક પડી ગયો હતો અને એ પછીના સાત મહિના સુધી આવકમાં તીવ્ર ઘટાડો થયો હતો. જો કે હવે અનલોક બાદ જીએસટીની આવકમાં વધારો થયો છે.

(સંકેત)