Site icon Revoi.in

અર્થતંત્રમાં રિકવરી બાદ હવે FY21માં જીડીપી દર નેગેટિવ 7.4 ટકા રહેવાનું અનુમાન: એસબીઆઈ રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરી જોવા મળ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના જીડીપી ગ્રોથ અનુમાનમાં સુધારો કર્યો છે. એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુધારાને કારણે નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ 7.4 ટકા રહેવાની સંભાવના છે. એસબીઆઈએ પોતાના અગાઉના રિપોર્ટમાં જીડીપીમાં ગ્રોથ રેટ નેગેટિવ 10.9 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જીડીપીને પૂર્વ કોવિડ સ્તરે પહોંચતા વધુ સમય લાગી શકે છે.

એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીડીપીને કોરોના વાયરસ અગાઉના સ્તરે પહોંચતા નાણાંકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરથી પણ 7 ક્વાર્ટર સુધીનો સમય લાગી શકે છે. બીજા ક્વાર્ટર બાદ આર.બી.આઈ અને બજારોના સંશોધિત પૂર્વાનુમાનો બાદ હવે આપણે આશા રાખીએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન નેગેટિવ 10.9 ટકાના ઘટાડાને સ્થાને હવે નેગેટિવ 7.4 ટકા રહેશે.

નોંધનીય છે કે સંશોધિત જીડીપી અનુમાન એસબીઆઈના નાઉકાસ્ટિંગ મોડલ પર આધારીત છે. જેમાં ઔદ્યોગિક પ્રવૃતિઓ, સેવા પ્રવૃતિઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા 41 હાઇ ફ્રીકવન્સી ઇન્ડિકેટર્સ સામેલ છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે મોડેલના આધારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 0.1 ટકાની નજીક રહી શકે છે.

(સંકેત)