Site icon Revoi.in

વૃદ્વિ: ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધીને 500 અબજ ડોલરને પાર

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ દેશમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પ્રવાહ વધી રહ્યો છે. દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં વધીને 500 અબજ ડોલરનો આંકડો પાર કરી ગયું છે. આ આંકડા એ વાતના સંકેત આપી રહ્યા છે કે, વિશ્વમાં ભારતની ગણતરી એક સુરક્ષીત અને મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે થઇ રહી છે.

ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIITના આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન દેશમાં 500.12 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું, જેમાં 29 ટકા FDI મોરેશિયસના રસ્તે આવ્યું હતું. જે પછી સિંગાપોરથી આશરે 21 ટકા, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડથી 7-7 ટકા આવ્યું. બ્રિટનથી આશરે 6 ટકા FDI આવ્યું. તે ઉપરાંત જર્મની, સાયપ્રસ, ફ્રાન્સ અને કેમૈન આઇડલેન્ડથી પણ FDI જોવા મળ્યું છે.

નાણાકીય વર્ષ 2015-16માં દેશમાં વિદેશી રોકાણમાં વધારો નોંધાયો હતો. આ વર્ષે દેશમાં 40 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. જે આગળના નાણાકીય વર્ષની સરખામણીએ 25 ટકા વધારે હતું. આ સિવાય નાણાંકીય વર્ષ 2016-17માં 43.5 અબજ ડોલર, 2017-18માં 44.85 અબજ ડોલર, 2018-19માં 44.37 અબજ ડોલર અને 2019-20માં 50 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યુ હતું.

નોંધનીય છે કે મોટા ભાગનું વિદેશી રોકાણ દેશના સર્વિસ સેક્ટર, કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર, દુરસંચાર, વ્યાપાર, ઑટોમોબાઇલ, રસાયણ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આવ્યું હતું.

(સંકેત)