Site icon Revoi.in

ભારત ફરી ચીનની કમર તોડશે, સરકારે ચીનની કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી અટકાવી

Social Share

લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારત સરકાર ચીન પર સતત અલગ અલગ રીતે સ્ટ્રાઇક કરી રહી છે. સરકારે પહેલા ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો, ત્યારબાદ અનેક આયાતી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો અને હવે ભારતની સરકારી ઓઇલ કંપનીઓએ ચીનની કંપનીઓ કે ચીન સાથે જોડાયેલી ઓઇલ કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ફરીથી અટકાવી દીધી છે.

સરકાર દ્વારા દેશની સરહદ સાથે જોડાયેલા અન્ય દેશો સાથેના વેપારના નીતિ નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે. જેને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ પોતાના ઇમ્પોર્ટ ટેન્ડરની શરતોમાં નવી જોગવાઇઓ ઉમેરી દીધી છે જેનાથી ચીનની કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.

ગત સપ્તાહે ભારતીય ઓઇલ કંપનીઓએ ચીનની ટ્રેડિંગ કંપનીઓ જેવી કે CNOOC, Unipec, PetroChinaને ક્રૂડના ઇમ્પોર્ટ ટેન્ડર મોકલવાનું બંધ કરી દીધુ છે.

મહત્વનું છે કે, સરકારે માર્ચમાં ચીનની સાથે થયેલા સંઘર્ષ બાદ નવા નિયમોની જાહેરાત કરી હતી જે મુજબ દેશની સરહદ સાથે જોડાયેલા દેશોની કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ કે વેપાર કરવા માટે સૌપ્રથમ સરકાર પાસેથી પરવાનગી મેળવવી પડશે. નિયમોમાં કોઇ દેશના નામનો ઉલ્લેખ કર્યો નથી. ભારતની સરહદો ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાંર, નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી છે. અલબત આ નિર્ણની સૌથી વધારે અસર ચીનની કંપનીઓને થઇ છે.

(સંકેત)