Site icon Revoi.in

કોરોનાની મહામારી વચ્ચે પણ ભારતના ટેક્નોલોજી સેક્ટરમાં 38 અબજ ડોલરનું જંગી રોકાણ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન મોટા ભાગના સેક્ટરને આર્થિક રીતે ઓછું કે વધુ નુકસાન થયું છે પરંતુ જો કોઇ સેક્ટર સૌથી ઓછું પ્રભાવિત થયું હોય તો તે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટર છે. આ સંકટકાળ દરમિયાન પણ ભારતીય કંપનીઓ વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં સફળ થઇ છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે ગત 6 મહિના દરમિયાન દેશની ટેક્નોલોજી કંપનીઓમાં 38 અબજ ડોલરનું મૂડીરોકાણ આવ્યું છે.

ત્રણ દિવસની TIEE ગ્લોબલ સમિટને સંબોધતા કાંતે જણાવ્યું હતું કે, ભારતીય સ્ટાર્ટઅપ્સ ઇકો સિસ્ટમમાં 55,000થી વધારે સ્ટાર્ટઅપ્સ લોન્ચ થયા જેમણે પાછલા પાંચ વર્ષમાં 60 અબજ ડોલરનું મૂડી ભંડોળ પ્રાપ્ત કર્યું છે. જ્યારે વિશ્વ કોરોના મહામારીથી લડી રહી છે એવા સંકટકાળ દરમિયાન પણ ભારતે પાછલા 5 થી 6 મહિનામાં 38 અબજ ડોલરથી વધારે ટેક્નોલોજી ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કર્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરતા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતની માટે એક મોટી તક બનવા જઇ રહી છે. આ ઇમર્જિંગ ટેક્નોલોજીથી વર્ષ 2035 સુધી ભારતીય અર્થતંત્રમાં 957 અબજ ડોલરથી વધુ ઠલવાશે. ઝડપથી બદલાતી ડિજીટલ દુનિયામાં અમે ન માત્ર મજબૂત જેટા સુરક્ષાની આવશ્યકતા છે ઉપરાંત સશક્તિકરણની પણ જરૂર છે.

નોંધનીય છે કે વર્તમાન સમયમાં ભારતમાં 65 કરોડ જેટલા ઇન્ટરનેટ યૂઝર્સ છે. દર ત્રણ સેકન્ડમાં એક નવું કનેક્શન ઉમેરાય છે. તો 50 કરોડથી વધારે સ્માર્ટફોન યૂઝર્સ ધરાવતું ભારત વિશ્વમાં ડેટાનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે.

(સંકેત)