Site icon Revoi.in

હવે રિલાયન્સ રિટેલમાં KKR કરશે 5550 કરોડ રૂપિયાનું રોકાણ, 1.28% હિસ્સેદારી ખરીદશે

Social Share

રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ આવી રહ્યું છે. અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરી 1.28 ટકા હિસ્સેદારી ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ માર્કેટમાં ખૂબ ટૂંકા સમયમાં આ બીજો મોટો સોદો છે. આ સોદા માટે રિલાયન્સ રિટેલની વેલ્યૂ 4.21 લાખ કરોડના આધારે કરવામાં આવી છે.

આ સોદા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, કેકેઆરને રિલાયન્સ રિટેલ વેન્ચરમાં રોકાણને હું આવકારું છું અને મને તેનો ખૂબ જ આનંદ છે. રિલાયન્સ રિટેલ ભારતીય નાગરિકોને ભારતીય રિટેલ ઇકોસિસ્ટમના તમામ લાભ પૂરા પાડવા માટે અગ્રેસર અને પ્રયાસરત છે.

KKRના સહ-સ્થાપક અને કો-સીઇઓ હેર્ની ક્વારિસે જણાવ્યું કે, રિલાયન્સ રિટેલ એ ગ્રાહકો અને નાના વેપારી બંનેના માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. રિલાયન્સ રિટેલ સાથે વધુ ભારતીય ગ્રાહકો જોડાતા જઇ રહ્યા છે અને ઓનલાઇન શોપિંગ તથા કંપનીના કરિયાણા ટૂલ તેની વેલ્યૂ ચેનને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ રિટેલને દેશના સૌથી અગ્રેસર રિટેલર બનાવાના અભિયાનમાં તેમની સાથે જોડાઇને તેમને સપોર્ટ કરવા બાબતે હું ખૂબ ઉત્સાહિત છું.

મહત્વનું છે કે, અગાઉ 9 સપ્ટેમ્બરે સિલ્વર લેક પાર્ટનર્સે જણાવ્યું હતું કે, તેઓ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરીને 1.75 ટકા હિસ્સેદારી ખરીદશે.

(સંકેત)