Site icon Revoi.in

દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત, સપ્ટેમ્બરમાં ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર ઉછાળો

Social Share

– કોવિડ-19 મહામારીની અનિશ્વિતતા વચ્ચે દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર
– સપ્ટેમ્બર મહિનામાં દેશના ઔદ્યોગિક ક્ષેત્રે કામગીરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો
– PMI ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને 56.8 નોંધાયો

નવી દિલ્હી: કોવિડ-19ના સંકટ વચ્ચે દેશના અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે સપ્ટેમ્બર મહિનામાં કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિ થતા સાડા આઠ વર્ષની ટોચે જોવા મળ્યું છે. એકમોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો હોવા છત્તાં નવા ઓર્ડર્સ અને ઉત્પાદનની કામગીરીમાં વેગ જોવા મળ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, IHS માર્કિટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ ઇન્ડેક્સ (PMI) ઓગસ્ટમાં 52.0 હતો જે સપ્ટેમ્બરમાં વધીને 56.8 નોંધાોય છે. જાન્યુઆરી 2012 પછીનો આ સૌથી ઊંચો પીએમાઇ રહ્યો છે.

આઇએચસ માર્કિટના અર્થશાસ્ત્રના સહયોગી અર્થશાસ્ત્રી પોલિયાના ડે લિમાએ જણાવ્યું હતું કે ભારતીય ઉત્પાદન ઉદ્યોગ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર માસના પીએમઆઇ આંકડા સકારાત્મક આવ્યા છે. કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક થતા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમી ઉઠી છે. નવા ઓર્ડરમાં પણ વેગ જોવા મળ્યો છે.

ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં પીએમઆઇ નેગેટિવ હતો. પીએમઆઇ 50 ઉપર આવે તો વૃદ્વિ ગણવામાં આવે છે જ્યારે તેનાથી નીચે રહે તો મંદીના સંકેત કહેવાય છે.

ખાસ કરીને નિકાસ ઓર્ડરમાં વધારાથી વેચાણને સમર્થન મળ્યું છે. કોરોના કાળમાં સપ્ટેમ્બર મહિનામાં આ સૌથી શ્રેષ્ઠ બાબત રહી છે. છેલ્લા 6 મહિનાથી નિકાસ પ્રતિકૂળ સ્તરે પહોંચી હતી. જ્યારે કાચા માલની કિંમતોમાં પણ ઉછાળો નોંધાયો હતો. બિઝનેસ કોન્ફિડેન્સ હવે મજબૂત બની રહ્યો છે.

કોરોનાને પગલે ઉત્પાદન એકમો માટેની ગાઈડલાઈનનું પાલન કરવા હેતુ અને સોશિયલ ડિસન્ટન્સિંગના નિયમો પાળવા માટે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રોજગારી મોરચે ઘટાડો નોંધાયો છે. કેટલીક કંપનીઓએ કર્મચારીઓની ભરતી કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું છે.

મહત્વનું છે કે, કોરોના મહામારીની અનિશ્વિતતા વચ્ચે આર્થિક ગતિવિધિઓમાં સુધારો એ અર્થતંત્ર માટે સારા સંકેત છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિથી દેશનું અર્થતંત્ર પુન:પાટા પર આવશે તેઓ નિષ્ણાતોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

(સંકેત)