Site icon Revoi.in

વર્તમાન વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર -11.6 ટકા રહેવાનું મૂડીઝનું અનુમાન

Social Share

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે વિશ્વના મોટા ભાગના દેશોનું આર્થિક ચિત્ર ધૂંધળું બન્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. આ જ સંદર્ભે મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઇને અનુમાન કર્યું છે. મૂડીઝે વર્તમાન 2020-21ના વર્ષ માટે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને -11.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. અગાઉ મૂડીઝે ભારતીય અર્થતંત્રનો વિકાસ દર -4 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. મૂડીઝે હવે તેમાં ફેરફાર કરીને રેટિંગ ઘટાડ્યું છે.

મૂડીઝ અનુસાર, નબળા અર્થતંત્ર, દેવાનો વધતો જતો બોજ અને ધીમા વિકાસને પગલે ભારતની ક્રેડિટ પ્રોફાઇલ પર અસર થઇ છે. કોરોના વાયરસના સંકટને કારણે લોકડાઉન લાગુ થતા મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ અને બજારો ઠપ્પ થઇ જતા અર્થતંત્ર પર વિપરિત અસર જોવા મળી છે.

રેટિંગ એજન્સીએ પોતાના અહેવાલમાં ટાક્યું છે કે, અર્થ વ્યવસ્થા અને આર્થિક સિસ્ટમના દબાણમાં રાજકોષિય પરિસ્થિતિ બગડી શકે છે. વર્તમાન આર્થિક વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપી -23.9 ટકા ગ્રોથ જોવા મળે છે.

જો કે રેટિંગ એજન્સીએ આગામી આર્થિક વર્ષ માટે ભારતની અર્થ વ્યવસ્થાનો 10.6 ના વિકાસ દર જોવા મળે તેવું અનુમાન બાંધ્યું છે. આમ આગામી આર્થિક વર્ષ માટે જીડીપી ગ્રોથમાં રેટિંગ એજન્સીએ પ્રગતિ દર્શાવી છે.

નોંધનીય છે કે,  મૂડિઝ ઉપરાંત અગાઉ અન્ય રેટિંગ એજન્સીઓ પણ ભારતની અર્થ વ્યવસ્થાને સરેરાશ -9 ટકાથી માંડીને -11.8 ટકા જેટલા ગ્રોથનું અનુમાન કરી ચુકી છે. મોટા ભાગની એજન્સીઓએ જીડીપી બાબતે નકારાત્મક રેટિંગ આપ્યું છે.

(સંકેત)