Site icon Revoi.in

નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યૂરોનો ઘટસ્ફોટ: માર્કેટમાં 2000ની સૌથી વધુ બનાવટી નોટ્સ ફરી રહી છે

Social Share

દેશમાં વર્ષ 2016માં નોટબંધી બાદ સરકારે 500 અને 2000ની નવી ચલણી નોટ્સ બહાર પાડી હતી. જો કે હાલમાં બજારમાં સૌથી વધુ બનાવટી ચલણી નોટ્સ 2 હજાર રૂપિયાની ફરી રહી હોવાનો ઘટસ્ફોટ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ તેના એક અહેવાલમાં કર્યો છે.

વર્ષ 2016માં દેશમા બ્લેક મની અને આર્થિક ગેરરીતિ ડામવા માટે નોટબંધી લાગુ કરાઇ ત્યારે રૂપિયા 2,000ની ચલણી નોટ્સ ફરતી કરાઇ હતી. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે સૌથી વધુ બનાવટી નોટ્સ 2000ની ફરી રહી છે. વર્ષ 2019માં કુલ 25 કરોડ 39 લાખ રૂપિયાની બનાવટી નોટ્સ પકડાઇ હતી. એમાં મોટા ભાગની 2000ની નોટ્સ હતી.

વર્ષ 2018માં 17 કરોડ 95 લાખ રૂપિયાની બનાવટી નોટો પકડાઇ હતી જે વર્ષ 2019માં 25 કરોડ 39 લાખ સુધી પહોંચી હતી. વર્ષ 2019માં પકડાયેલી બનાવટી 2000 નોટ્સની સંખ્યા 90,566ની હતી. આ બનાવટી નોટો ગુજરાત, કર્ણાટક અને પશ્વિમ બંગાળમાંથી પકડાઇ હતી.

અત્યાર પહેલાં રિઝર્વ બેંકે એવી સ્પષ્ટતા કરી હતી કે 2019માં અમે 2000ની એક પણ નવી નોટ છાપી નથી. અત્યારે કદાચ એજ કારણે દેશમાં 2000ની નોટ ઓછી જોવા મળતી હતી. ગયા વર્ષે આશરે 71 હજારની સો સો રૂપિયાની નકલી નોટો પકડાઇ હતી. આ નકલી નોટો ગુજરાત, પાટનગર નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશથી પકડાઇ હતી.

નોંધનીય છે કે 2019માં એનઆઇએએ આવા 14 કેસ પકડ્યા હતા. 2019માં 2000ની લગભગ 14 હજાર નકલી નોટ મળી હતી.

(સંકેત)