Site icon Revoi.in

સોના-ચાંદીના ભાવમાં તેજી જ તેજી, સોનું વૈશ્વિક બજારમાં પણ વિક્રમી સપાટીએ

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને મોટા ભાગના દેશોના અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ રોજગારીના આંકડા ધારણા કરતા નબળા આવ્યા છે, ડોલર સતત ત્રીજા દિવસે ઘટી ગયો છે. જો કે આ બધા પરિબળો વચ્ચે પણ ‘સેફ હેવન’ ગણાતા સોના-ચાંદીના ભાવમાં તેજીનો દાવાનળ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું વિક્રમી સપાટીએ છે, ચાંદીના ભાવ પણ સાત વર્ષની ઉંચી સપાટીએ છે. ગુરુવારે ભારતમાં ચાંદીના ભાવ નવ વર્ષ જૂની ઐતિહાસિક ઉંચી સપાટી પાર કરી રૂ.76000ની સપાટીને પાર કરી ગયા હતા.

બીજી તરફ વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ સતત પાંચમા દિવસે પણ વધીને એક પછી એક નવી ઐતિહાસિક ઉંચી સપાટી તરફ આગળ વધી રહ્યા છે. માર્કેટમાં એવી ધારણા પ્રવર્તિત છે કે સોનું ટૂંક સમયમાં 2100 ડોલર પ્રતિ ઔંસની સપાટીને પાર કરશે.

ન્યૂયોર્ક ખાતે સોનું ઓક્ટોબર વાયદો 1.19 ટકા કે 21.45 ડોલર વધી 2061.35 ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સોનું ડિસેમ્બર વાયદો 1.13 ટકા કે 23.20 ડોલર વધી 2072.50 ડૉલર અને હાજરમાં 2058.34 ડોલરની ઉંચી સપાટી પર છે.

મહત્વનું છે, ભારત વિશ્વમાં સોનાનો સૌથી વધુ વપરાશ કરતો બીજા નંબરનો દેશ છે. જો કે આ વર્ષે માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ ફેલાતા લાગુ કરાયેલા લોકડાઉનને કારણે મોટા ભાગના સામાજીક મેળાવડા, લગ્નપ્રસંગો, ઇવેન્ટ્સ પર પ્રતિબંધ મૂકાતા સોનાનો વપરાશ પણ ઘટ્યો હતો. આ જ કારણોસર જૂન માસમાં પ્રથમવાર સોનાની આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

(સંકેત)