Site icon Revoi.in

હવે વોલમાર્ટ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદી શકે, થઇ રહી છે વાતચીત

Social Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ જીયો પ્લેટફોર્મ્સે છેલ્લા કેટલાક મહિનામાં સારા પ્રમાણમાં રોકાણ પ્રાપ્ત કર્યું છે. હવે રિલાયન્સ રિટેલને લઇને પણ રોકાણને આકર્ષિત કરવાની મુકેશ અંબાણી તૈયાર કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટ રોકાણ કરી શકે છે. મુકેશ અંબાણી હવે વોલમાર્ટને માઇનોરિટી સ્ટેક વેચવાની તૈયારી કરી રહ્યા છે. આ સોદાને લઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલમાર્ટ વચ્ચે હાલમાં ચર્ચા ચાલી રહી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલમાં વોલમાર્ટમાંથી રોકાણ લઇને પોતાના રિટેલ કારોબારનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. હવે તેઓ સીધી રીતે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને ટક્કર આપવાની તૈયારીમાં છે.

આપને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા તેઓએ ઓનલાઇન દવા વેચતી કંપની નેટમેડ્સને હસ્તગત કરીને ઇ-ફાર્મસીમાં તમામ કંપનીઓને ટક્કર આપી દીધી છે અને હવે તેઓ બાકી રિટેલ કારોબારમાં પણ પોતાના હરીફોને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યા છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ રિલાયન્સ રિટેલ લિમિટેડે ફ્યુચર ગ્રૂપનો રિટેલ કારોબાર હસ્તગત કર્યો છે. રિલાયન્સ રિટેલ દ્વારા ફ્યૂચર ગ્રૂપનો કારોબાર રૂ. 24,713 કરોડમાં હસ્તગત કરવામાં આવ્યો છે. આ સોદા બાદ હવે બિગ બજાર રિલાયન્સ હસ્તક થઇ ચૂક્યું છે. આ ઉપરાંત ભારતના 200 શહેરોમાં જીયોમાર્ટની પણ શરૂઆત થઇ ચૂકી છે.

(સંકેત)