Site icon Revoi.in

યસ બેંક કેસ: સેબીએ રાણા કપૂરના બેંક-ડીમેટ ખાતા-સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો

Social Share

નવી દિલ્હી: યસ બેંકના પૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ તેના બેંક એકાઉન્ટ, ડીમેટ તેમજ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ તેમજ સંપત્તિઓને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. રાણા કપૂર પાસેથી 1 કરોડ રૂપિયાથી વધારે વસૂલાતના સંદર્ભમાં સેબીએ આ આદેશ આપ્યો છે.

સેબીએ અગાઉ રાણા કપૂરને દંડ ફટકાર્યો હતો, જેની ચૂકવણી કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. સેબીએ સપ્ટેમ્બર 2020માં રાણા કપૂરની બિન લિસ્ટેડ પ્રમોટર કંપની મોર્ગન ક્રેડિટ સાથેના લેવડ-દેવડમાં ખુલાસાઓ ના કરવાના મામલે આ દંડ ફટકાર્યો હતો.

સેબીએ પોતાના આદેશમાં કહ્યુ હતુ કે આ લેવડદેવડની માહિતી યસ બેન્કના ડિરેક્ટર બોર્ડને આપવામાં આવી ન હતી. જે લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાર્યમેન્ટ (LODR)ના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

ત્યારબાદ સેબીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પણ રાણા કપૂરને ડિમાન્ડ નોટીસ ફટકારી હતી. ઉલ્લેખનિય છે કે, રાણા કપૂર પર એક કરોડ રૂપિયાના દંડ ઉપરાંત 4.56 લાખ રૂપિયાના વ્યાજ અને 1,000 કરોડ રૂપિયાની વસૂલાત એટલે કે કુલ 1.04 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે.

આપને જણાવી દઇએ કે સેબી તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં બેંકો, ડિપોઝિટરીઝ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને કહ્યું છે કે, રાણા કપૂરના એકાઉન્ટમાંથી કોઇપણ રીતે નાણાંના ઉપાડની મંજૂરી આપવી નહી. જો કે એકાઉન્ટમાં નાણાં જમા કરાવી શકે છે.

તે ઉપરાંત બેન્કોને રાણા કપૂરના એકાઉન્ટ , લોકર વગેરેને ટાંચમાં લેવાના નિર્દેશ આપ્યા છે.

નોંધનીય છે કે, રાણા કપૂરે યસ બેન્કમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ હતુ, જ્યારે બેન્ક લગભગ નાદારીના આરે આવી ગઇ.

(સંકેત)

Exit mobile version