Site icon Revoi.in

કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચના આંકડા જાહેર: વર્ષ 2025-26માં 33.86 લાખ કરોડની આવક

Social Share

નવી દિલ્હી, 2 જૂન 2026: નાણાકીય વર્ષ 2025-26 માટે ભારત સરકારના કામચલાઉ (પ્રોવિઝનલ) હિસાબો જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર, કેન્દ્ર સરકારને કુલ રૂ. 33.86 લાખ કરોડની પ્રાપ્તિ (આવક) થઈ છે, જે સરકારે નક્કી કરેલા સુધારેલા અંદાજના 99.4 ટકા જેટલી છે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યોને ટેક્સના હિસ્સા તરીકે રૂ. 13.93 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ રૂ. 1.06 લાખ કરોડ વધુ છે. સરકારના આ પગલાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ મજબૂત બની છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, સરકારને થયેલી કુલ રૂ. 33.86 લાખ કરોડની આવકમાં ટેક્સ કલેક્શનનો મોટો હિસ્સો રહ્યો છે. જેમાં શુદ્ધ કર મહેસૂલ રૂ. 26.23લાખ કરોડ અને બિન-કર મહેસૂલ રૂ. 6.80 લાખ કરોડ નોંધાયું છે. આ ઉપરાંત, બિન-ધિરાણ મૂડી પ્રાપ્તિ તરીકે રૂ. 83757 કરોડ મળ્યા છે, જેમાં રૂ. 2461 કરોડ લોન વસૂલાત અને રૂ. 59140 કરોડ વિવિધ મૂડીગત આવકમાંથી આવ્યા છે.

ખર્ચના મોરચે જોઈએ તો, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ રૂ. 49.05 લાખ કરોડ રહ્યો છે, જે સુધારેલા અંદાજના 98 ટકા છે. આ કુલ ખર્ચમાંથી રૂ. 38.36 લાખ કરોડ મહેસૂલી ખર્ચ પેટે વપરાયા છે, જ્યારે દેશના પાયાના અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મૂડીગત ખર્ચ પેટે રૂ. 10.69 લાખ કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેસૂલી ખર્ચ અંતર્ગત રૂ. 12.43 લાખ કરોડ માત્ર વ્યાજની ચુકવણી પાછળ ખર્ચાયા છે, જ્યારે દેશની મુખ્ય સબસિડીઓ પાછળ રૂ. 4.54 લાખ કરોડનો વ્યય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યોને કરવેરામાં વધુ હિસ્સો આપવાના કારણે સ્થાનિક સ્તરે તેમની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ થઈ છે અને વિવિધ પ્રાદેશિક વિકાસ પરિયોજનાઓને ગતિ મળી છે. આ સાથે જ, મૂડીગત ખર્ચમાં કરવામાં આવેલા વધારાથી દેશભરમાં કનેક્ટિવિટી, પાયાની સુવિધાઓ અને એકંદર આર્થિક પ્રવૃત્તિઓને મોટું પ્રોત્સાહન મળ્યું છે.

Exit mobile version