Site icon Revoi.in

ગેસના ભાવ વધતા થાનના સિરામિક પ્રોડક્ટમાં 25 ટકાનો વધારો કરાયો

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના  થાન સિરામિક ઉદ્યોગની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે તેમાં પણ ગુજરાત સરકારે ગૅસના ભાવમાં રાતોરાત રૂ. 4.62નો ભાવવધારો ઝીંકી દેવાતાં સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને થાન સિરામિક ઍસોસિયેશન દ્વારા  તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગૅસની સાથે રો-મટિરિયલના વધતા ભાવ સામે ટકી રહેવા તમામ પ્રોડક્ટના ભાવમાં 25 ટકાથી વધુનો ભાવવધારો કરીને દર 3 મહિને 1 મહિનો કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો થાન વિસ્તાર સિરામિક ક્ષેત્રે સારૂંએવું સ્થાન ધરાવે છે. થાનમાં 1913માં સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સથી એકમ શરૂ થયાને આજે 103 વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે. કપ-રકાબી બનાવવાથી શરૂ થયા બાદ ધીરે ધીરે સિરામિક એકમો વધતાં ગયાં અને ઓરસિયા, કમળ, પોખરાં, વેસ્ટર્ન પોખરાંની સાથે આધુનિક ગેન્ડી સહિતની 100થી વધુ વસ્તુઓ આજે બની રહી છે. જેની ભારતની સાથે વિશ્વની બજારમાં માંગ છે. ઝાલાવાડની આગવી ઓળખ સમાન થાનનો સિરામિક ઉદ્યોગ એક દાયકાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેમાં પણ સરકારે ગૅસના ભાવમાં રાતોરાત રૂ. 4.62નો વધારો ઝીંકી દેતાં એકમોને ચાલુ રાખવાનું મુશ્કેલ બન્યું છે. આ માટે ઍસોસિયેશનની તાકીદની બેઠક મળી હતી જેમાં હાલના સમયે તમામ પ્રોડક્ટના ભાવમાં 25 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત થાનમાં 60 ટકા કારખાનાં 365 દિવસ ચાલુ રહે છે. પરિણામે માલનો મોટો ભરાવો થઈ જાય છે. રો-મટિરિયલ, મજૂરી સહિતમાં થતો ખર્ચ તો ચૂકવી આપવો પડે છે જ્યારે સામે માલનો ભરાવો થઈ જવાથી વેચાણ ઓછું થતું હોય છે. આથી પૈસા છૂટા કરવા માટે માલિકો ઓછા ભાવે માલ વેચી દેતા હોય છે અને આ કારણે દરેક માલિકોને ખોટ ખાવાનો વારો આવે છે. આ સમસ્યાના હલ માટે તમામ માલિકોએ નિર્ણય કર્યો છે કે આગામી સમયમાં દરેકે નક્કી કરેલા ભાવથી જ માલનું વેચાણ કરવું અને માલનો ભરાવો ન થાય તે માટે દર 3 મહિને 1 મહિનો કારખાનાં બંધ રાખીને માલનો ભરાવો થતો અટકાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. દરેક ધંધામાં વર્ષો વિતતાં જાય તેમ નફાનું પ્રમાણ વધતું હોય છે પરંતુ થાનનો આ ઉદ્યોગ એવો છે કે જેમાં 5 વર્ષમાં નફાનું પ્રમાણ તળિયે બેસી ગયું છે, જ્યારે સામે રો-મટિરિયલના ભાવમાં 60 ટકા જેટલો વધારો થયો છે. આવી સ્થિતિમાં વર્તમાન સમયે ગૅસના ભાવમાં કરેલા વધારાને મામલે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને મળીને આ ભાવવધારાથી સિરામિક ઉદ્યોગના માલિકોને કારખાનાં બંધ કરવાના દિવસો આવશે. આથી ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચવા રજૂઆત પણ કરવામાં આવશે. સિરામિક પ્રોડક્ટના ભાવ સામે રો-મટિરિયલના વધતા ભાવને કારણે ઉદ્યોગકારો ચિંતામાં મુકાઈ ગયા છે. આવા સમયે હવે પ્રોડક્ટનો ભાવ કેવી રીતે અને કેટલા ટકા વધારવો તેના માટે ગણતરી કરવી ખૂબ જ જરૂરી બની હોવાનું ઉદ્યોગકારો માની રહ્યા છે.