નવી દિલ્હી, 27 જૂન 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ નવેમ્બર 2025માં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટના મામલામાં વધુ 3 આતંકીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ઘાતક વિસ્ફોટમાં 11 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. તપાસ એજન્સીએ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરેલી આ ચાર્જશીટમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસી ઝમીર અહેમદ અહંગર, તુફૈલ અહેમદ ભટ અને આખા કાવતરાના માસ્ટરમાઇન્ડ ગણાતા મુઝફ્ફર અહેમદ ઉર્ફે ફરાજને આરોપી બનાવ્યા છે. આ નવી ચાર્જશીટ સાથે જ આ કેસમાં અત્યાર સુધી ગુનાહિત સંડોવણી ધરાવતા કુલ આરોપીઓની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે, જેમાં મુખ્ય આરોપી ડો. ઉમર ઉન નબી (જેનું બ્લાસ્ટમાં જ મોત થયું હતું)નો પણ સમાવેશ થાય છે.
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, હાલ ફરાર આરોપી મુઝફ્ફર અહેમદ વ્યવસાયે પીડિયાટ્રિશિયન (MBBS, MD) ડોક્ટર છે. તે અન્ય સહ-આરોપી ડો. અદીલ અહેમદ રાથરનો મોટો ભાઈ છે અને કુખ્યાત આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા “AGuH અંતરીમ” મોડ્યુલનો સ્થાપક સભ્ય છે. એનઆઈએની તપાસમાં ખુલાસો થયો છે કે, મુઝફ્ફરે જૂન 2022માં શ્રીનગરના ઈદગાહ ખાતે યોજાયેલી એક અત્યંત ગુપ્ત બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં આ આતંકી મોડ્યુલનો પાયો નંખાયો હતો. આ ડોક્ટર આતંકી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવી રહેલા એક ગુપ્ત આઈઈડી સેન્ટરમાં ઘાતક ટીએટીપી-બેઝ્ડ વિસ્ફોટો બનાવવાની અને તેના ટેસ્ટિંગની પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ હતો. કોર્ટે હાલ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
-
આ મોડ્યુલના અન્ય સભ્યો પણ હથિયારોની હેરાફેરીમાં ગળાડૂબ હતા
ચાર્જશીટમાં દર્શાવ્યા મુજબ, આ મોડ્યુલના અન્ય સભ્યો પણ હથિયારોની હેરાફેરીમાં ગળાડૂબ હતા. પકડાયેલો આરોપી ઝમીર આ મોડ્યુલ માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો અને પાકિસ્તાની હેન્ડલર્સના સીધા સંપર્કમાં રહીને આતંકીઓ સુધી હથિયારો, કારતૂસ અને ફંડિંગ (રોકડ) પહોંચાડતો હતો. જ્યારે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાનો પૂર્વ સભ્ય તુફૈલ આ મોડ્યુલ માટે હથિયાર સપ્લાય કરતો હતો. તેણે એક હેન્ડલરની મદદથી ‘ડેડ ડ્રોપ્સ’ માધ્યમથી ગુપ્ત જગ્યાએથી 1 એકે-47 રાઇફલ, 1 ક્રિંકોવ રાઇફલ, પિસ્તોલ, મેગેઝીન અને જીવતા કારતૂસ મેળવ્યા હતા અને આ જથ્થો મૃતક આતંકી ડો. ઉમરને 3 લાખ રૂપિયામાં વેચ્યો હતો. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સ્થિત એનઆઈએની વિશેષ અદાલતમાં દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કલમો લગાવવામાં આવી છે.

