Site icon Revoi.in

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ત્રણ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા પકડાયા

Social Share

વડોદરાઃ મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીઓના આરોગ્યને જાખમમાં મુકતા હોય છે. ગુજરાતના પોલીસ વડાએ પણ આવા નકલી તબીબોને પકડવા સુચના આપ્યા બાદ  છોટાઉદેપુરમાંથી મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ ડૉક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ત્રણેય બોગસ ડૉક્ટરોને છોટાઉદેપુર તાલુકાના દેવહાટ અને રંગપુર ગામમાંથી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,  ત્રણેય બોગસ ડૉક્ટરો માત્ર ધોરણ 12 પાસ છે. પોલીસ પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો કે, આ ત્રણેય બોગસ ડૉક્ટરો પશ્ચિમ બંગાળના વતની છે. કોઈને ખબર ન પડે એ રીતે છોટાઉદેપરમાં  આવીને તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે ત્રણેય બોગસ ડૉક્ટરોને ઝડપી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને બાતમી હતી કેટલાંક બોગસ ડૉક્ટરો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે છોટાઉદેપુરની એસ.ઓ.જી.ની ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં આ ત્રણેય બોગસ ડૉક્ટરો ઝડપાઈ ગયા હતા. પોલીસે જ્યારે ત્રણેય બોગસ ડૉક્ટરોની પૂછપરછ કરી તો તેઓએ પોતાના નામ સુજીત સુનીલભાઈ બિશ્વાસ, બિપ્લવ સુધીરભાઈ બિશ્વાસ અને વિકાસ અકુલભાઈ બિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય બોગસ ડૉક્ટરો મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. ત્રણેય બોગસ તબીબો પશ્ચિમ બંગાળથી છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. ભોળી જનતાને ખબર ન પડે એ રીતે છેતરીને તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસ પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું કે, તેઓ છેલ્લાં લાંબા સમયથી છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા દેવહાટ અને રંગપુર ગામમાં કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર બોગસ દવાખાના ચલાવી રહ્યા હતા. બીજી મહત્વની વાત એ છે કે, આ તમામ આરોપીઓએ માત્ર ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કરેલો છે.  પોલીસે આ તમામ બોગસ ડૉક્ટરો પાસેથી મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ, રોકડ રુપિયા મળી કુલ રુપિયા 54,241નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણેય બોગસ ડૉક્ટરો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version