Site icon Revoi.in

નાઈજીરિયામાં આતંકવાદીઓથી મુક્ત થયેલા બાળકોએ સંભળાવી આતંકીઓની બર્બરતા

Social Share

દિલ્હીઃ નાઈજીરિયામાં બોકોહરામની કેદમાંથી છુટેલા સ્કૂલના બાળકોએ આ આતંકવાદી સંગઠનના જુલ્મની વાતો જણાવી હતી. આતંકવાદીઓની કેદમાંથી મુક્ત થયેલા બાળકો કત્સિના પહોચ્યાં ત્યાં સુધી ગભરાયેલા હતા. બાળકોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ દેખાવમાં લૂંટારૂ જેવા દેખાતા હતા. તેમજ પોતાને ઈસ્લામિક આતંકવાદી સંગઠન બોકો હરામના સભ્ય બતાવતા હતા. આ આતંકવાદીઓ બાળકોને રોજ સવારે અને સાંજના માર મારતા હતા. એટલું જ નહીં દિવસમાં એક જ વાર બાળકોને જમવાનું અને બે વખત પીવા માટે પાણી આપતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કત્સિના રાજ્યની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું બોકોહરામના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. જે બાદ આતંકવાદીઓના આકા અબુ બકર શેકે એક ઓડિયો જાહેર કરીને આની જવાબદારી લીધી હતી. તેમજ કહ્યું હતું કે, સ્કૂલમાં બાળકોને પશ્ચિમિ શિક્ષા આપવામાં આવે છે. જે ઈસ્લામના સિધ્ધાંતોની વિરોધમાં છે.

નાઈજીરિયાના સેનાએ જણાવ્યું હતું કે, તેમને બાળકોના લોકેશન અંગે ચોક્કસ માહિતી મળી હતી. જે બાદ કાર્યવાહી કરીને તમામ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. જો કે, આ અભિયાનમાં અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલું જ નહીં સરકાર દ્વારા પણ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.