Site icon Revoi.in

ભારત-અમેરિકા ડિફેન્સ ડીલથી ગુસ્સે ભરાયું ચીન,કહ્યું- ક્ષેત્રીય શાંતિ પર અસર ન થવી જોઈએ

Social Share

દિલ્હી : ચીને સોમવારે કહ્યું હતું કે દેશો વચ્ચેના સહયોગથી ન તો પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવી જોઈએ અને ન તો કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ. ચીનની આ પ્રતિક્રિયા તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ સંરક્ષણ અને વ્યાપારી કરારોના સંદર્ભમાં આવી છે. આ કરારોમાં ફાઇટર એરક્રાફ્ટ માટે F414 જેટ એન્જિનનું સંયુક્ત ઉત્પાદન અને સશસ્ત્ર ડ્રોનની ખરીદીનો સમાવેશ થાય છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ચીનની લાંબા સમયથી સ્થિતિ એ છે કે રાષ્ટ્રો વચ્ચેના સૈન્ય સહયોગથી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, તે જ સમયે, કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ નહીં અથવા કોઈ ત્રીજા પક્ષના હિતોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.

તેણી રશિયાની એક સરકારી સમાચાર એજન્સીને આ સવાલનો જવાબ આપી રહી હતી,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુ.એસ.ની રાજકીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા અનેક સંરક્ષણ અને વ્યાપારી કરારો અંગે તેણીનો પ્રતિભાવ માંગ્યો હતો.

પ્રવક્તાએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે સંબંધિત દેશો ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાના મામલામાં પ્રાદેશિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ સાથે સુમેળમાં કામ કરશે.” જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસે જાહેરાત કરી છે કે તેણે ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)- MK-II તેજસ માટે સંયુક્ત રીતે ફાઇટર જેટ એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતે જનરલ એટોમિક્સ પાસેથી સશસ્ત્ર MQ-9B સીગાર્ડિયન ડ્રોન ખરીદવાની તેની ઈચ્છા જાહેર કરી. આ અદ્યતન ટેકનોલોજી ભારતની ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વધારશે. જનરલ એટોમિક્સનું MQ-9 ‘રીપર’ સશસ્ત્ર ડ્રોન 500 ટકા વધુ પેલોડ વહન કરી શકે છે અને અગાઉના MQ-1 પ્રિડેટર કરતાં નવ ગણું વધુ હોર્સપાવર ધરાવે છે.