Site icon Revoi.in

UNSCમાં મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાની ભારતની કોશિશ સામે ચીને વાપર્યો વીટો, અન્ય ચાર મહસત્તા ચીનથી નારાજ

Social Share

પુલવામા એટેક બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવ પર ચીને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અડંગાબાજી કરી છે. ચોથી વાર ચીને વીટોનો ઉપયોગ કરીને પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને યુએનએસસીની ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં સામેલ થતો બચાવી લીધો છે. આ વખતે હવે સુરક્ષા પરિષદના સદસ્યો અન્ય વિકલ્પો પર પણ વિચારણા કરે તેવી સંભાવના છે. ચીન દ્વારા મસૂદ અઝહર મામલે રજૂ થયેલા પ્રસ્તાવનો વિરોધ કરાયા બાદ ભારત માટે મોટી વાત એ છે કે યુએનએસસીના અન્ય ચાર સ્થાયી સદસ્યો અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને રશિયા મસૂદ અઝહર પર પ્રતિબંધનું સમર્થન કરી રહ્યા છે.

યુએનએસસીના જવાબદાર સદસ્યોએ ચીનને ચેતવણી આપતા કહ્યુ છે કે જો બીજિંગ પોતાની નીતિ પર કાયમ રહેશે, તો પણ અન્ય કાર્યવાહીઓ પર વિચારણા થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક ડિપ્લોમેટે ચીનને ચેતવણી આપી છે કે જો ચીન આ પ્રસ્તાવને રોકવાની નીતિ ચાલુ રાખશે, તો અન્ય જવાબદાર સદસ્ય સુરક્ષા પરિષધમાં અન્ય એક્શન લેવા માટે મજબૂર થાય તેવી સંભાવના છે. આવી સ્થિતિ પેદા થવી જોઈએ નહીં.

ડિપ્લોમેટે નામ ઉજાગર નહીં કરવાની શરતે કહ્યુ છે કે ચીન તરફથી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવ પર અડંગાબાજી બાદ અન્ય સદસ્યોનો આ અભિપ્રાય છે. આ પહેલા પણ ચીને ત્રણ વખત મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરતા પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરીને અડંગાબાજી કરી હતી. પુલવામાં સીઆરપીએફના કાફલા પરના આત્મઘાતી હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. બાદમાં અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો પ્રસ્તાવ યુએનએસસીમાં રજૂ કર્યો હતો.

અમેરિકાએ પણ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધની યાદીને અપડેટ કરાવવા માટેની અમારી કોશિશ ચાલુ રહેશે. ભારતમાં અમેરિકાના દૂતાવાસના પ્રવક્તાએ કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્ર સેંક્શન્સ કમિટીની ભલામણો પર ખુલીને ચર્ચા કરી શકાય નહીં. પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધની યાદીમાં આતંકવાદીઓનું નામ સામેલ કરાવવાની કોશિશ ચાલુ રહેશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન સિવાયના અનેય તમામ સદસ્ય મસૂદ અઝહર પર પ્રતિબંધની તરફેણમાં હતા. ચોથી વાર ચીને વીટોનો ઉપયોગ કર્યો છે અને તેના પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ તેની લડાઈ ચાલુ રહેશે. ભારતે કહ્યું છે કે તે અન્ય તમામ મંચો પર આતંકવાદી આકાઓની વિરુદ્ધ પોતાની વાત રજૂ કરશે અને ન્યાયની માગણી કરતું રહેશે.

મહત્વપૂર્ણ છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવતો સદસ્ય દેશ છે અને સૌની નજર ચીન પર જ હતી, જે પહેલા પણ અઝહરને યુએનએસસીમાં વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાની ભારતની કોશિશોને રોકી ચુક્યું હતું. આ પહેલા ભારતે અમેરિકા અને ફ્રાંસ સાથે પુલવામા આતંકવાદી હુમલા બાદ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની આપ-લે કરી હતી. જેથી મસૂદ વિરુદ્ધ નક્કર પુરાવા રજૂ કરી શકાય. ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ યુએનએસસીની 1267 અલકાયદા સેન્ક્શન્સ કમિટી હેઠળ મસૂદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવને 27 ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો.