Site icon Revoi.in

ચીનની વધી મુશ્કેલી, અમેરિકાએ ચીનની વધુ 28 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

Social Share

દિલ્લી: અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન છેલ્લા કેટલાક દિવસોથી કડક પગલા લઈ રહ્યા છે. કડક પગલા જે રીતે લઈ રહ્યા છે તેમાં ચીન માટે પણ નુક્સાન તો છે જ, પરંતુ હવે વધુ એક મોટી ફટકાર જો બાઈડન દ્વારા ચીનને મારવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ચીનની વધુ 28 કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના ચીન પ્રત્યેના કડક વલણ બાદ અમેરિકન લોકો ચીનની 59 કંપનીમાં રોકાણ કરી શકશે નહી. અને આ તમામ નિયમો 2 ઓગસ્ટથી લાગુ પડી જશે.

આ બાબતે અમેરિકાનું માનવું છે કે, આ કંપનીઓ ચીનની સરકારને જે સૈન્ય અને સુરક્ષા ઉપકરણો આપી રહી છે તેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં અવાંછીત કારોબારી સંબંધો અંગે ચીનની 31 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. અમેરિકાની સરકાર મુજબ, આ કંપનીઓ ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓને સૈન્ય સાધન-સરંજામ સપ્લાય કરી રહી છે અથવા સપોર્ટ કરી રહી છે, જેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ચીનની અમુક અન્ય કંપનીઓને બેનના દાયરામાં લાવવાથી અમેરિકી સરકારના બનાવેલ આ બ્લેકલિસ્ટમાં સામેલ કંપનીઓની સંખ્યા 59 થઈ ગઈ છે.

જો બાયડન પ્રશાસને જે કંપનીઓને બ્લેકલિસ્ટમાં નાખી છે, તેમાં મોટાભાગે ચીન સરકારને સર્વેલાંસ ટેક્નોલોજી આપે છે. ચીન એ કંપનીઓની ટેક્નોલોજીનો ઉપયોગ વિરોધીઓના અવાજને દબાવવા અને માનવાધિકારનો ભંગ કરવામાં કરે છે, આવો અમેરિકી સરકારનો આરોપ છે. અમેરિકાનું કહેવું છે કે, ચીન આમ કરીને અમેરિકા અને તેના સહયોગીઓની સુરક્ષાને ખતરો પેદા થાય છે અને તેના લોકતાંત્રિક મૂલ્યને નબળું પાડે છે. ચીની કંપનીઓની અમેરિકી બ્લેકલિસ્ટમાં ટેલિકોમ, કન્ટ્રક્શન અને ટેક્નોલોજી સેક્ટરની મોટી કંપનીઓ સામેલ છે. તેમાં ચાઈના મોબાઈલ, ચાઈના ટેલિકોમ, વીડિયો સર્વેલાંસ કંપની હાઈકવિજન અને ચાઈના રેલવે કન્સ્ટ્રક્શન કોર્પોરેશનનું નામ છે.

ચીન વિરૂદ્ધ અમેરિકી સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓથી બન્ને દેશો વચ્ચેના સંબંધો ઘણાં તણાવપૂર્ણ થઈ ગયા છે. ચીનનું કહેવું છે કે અમેરિકી સરકારનું પગલું રાજનીતિથી પ્રેરિત છે, એટલા માટે પોતાના દેશની કંપનીઓના અધિકારોની રક્ષા કરશે.